<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

મહેસાણામાં એચપી પેટ્રોલ પંપ સંચાલકની ઘોર દાદાગીરી: "ડીઝલનો સ્ટોક છે પણ નહીં આપું, જે થાય તે કરી લો", ગ્રાહક સાથે ગેરવર્તણૂકનો વીડિયો વાયરલ થતાં મચ્યો હોબાળો

નંદાસણ પાસેના મહાકાળી પંપ પર ગ્રાહક સેવાના ધજાગરા; "નવા ગ્રાહકોને ઈંધણ કેમ ન મળે?" તેવા સવાલ પર માલિક અને સ્ટાફ ઉશ્કેરાયા, સોશિયલ મીડિયા પર ઊઠ્યો કડક કાર્યવાહી માટે લોકજુવાળ

મહેસાણા: ગુજરાતના હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ગ્રાહક સેવા અને નમ્રતાના મોટા-મોટા બોર્ડ મારવામાં આવતા હોય છે, પરંતુ મહેસાણા જિલ્લામાંથી આ તમામ દાવાઓની પોલ ખોલતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નંદાસણ હદ વિસ્તાર નજીક હાઈવે પર આવેલા એચપી (HP) કંપનીના મહાકાળી પેટ્રોલ પંપ પર પંપના માલિક અને તેના સ્ટાફ દ્વારા એક સામાન્ય ગ્રાહક સાથે ખુલ્લેઆમ દાદાગીરી અને ભારે ગેરવર્તણૂક કરવામાં આવી છે. પંપ સંચાલકના અહંકારી અને ઉદ્ધત વર્તનનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થતાં જ સમગ્ર જિલ્લાના વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

મળતી વિગતો મુજબ, એક ગ્રાહક પોતાના વાહનમાં ડીઝલ (Diesel) પુરાવવા માટે આ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. પંપ પર ઈંધણનો પૂરતો સ્ટોક હોવા છતાં, કોઈ પણ માન્ય કારણ વિના સંચાલકે ગ્રાહકને ડીઝલ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જ્યારે ગ્રાહકે આનું કારણ પૂછ્યું ત્યારે પંપ માલિકે ભારે તોછડાઈથી જવાબ આપ્યો કે, "મારે માત્ર મારા કાયમી (રેગ્યુલર) ગ્રાહકોને જ સાચવવાના છે, એટલે તમને ડીઝલ નહીં મળે." તેણે વધુમાં ગ્રાહકને ધમકાવતા લહેકામાં કહ્યું કે, "હું તમને પહેલીવાર મળ્યો છું, મારી પાસે ડીઝલનો સ્ટોક છે, પણ હું તમને નહીં જ આપું, તમારે જે કરવું હોય તે કરી લો."

કેમેરા સામે જ દાદાગીરી, વીડિયો વાયરલ થતાં વિવાદ વકર્યો

જ્યારે પીડિત ગ્રાહકે પંપ સંચાલકની આ મનમાની અને ગેરકાયદેસર વર્તણૂકનો પુરાવો રાખવા માટે પોતાના મોબાઈલ ફોનથી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે પંપ માલિક અને તેનો સ્ટાફ વધુ ઉશ્કેરાઈ ગયો હતો. સ્ટાફના માણસોએ ગ્રાહક સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ પણ થયા છે. જો કે, આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર શેર થતાં જ આગની જેમ ફેલાઈ ગઈ છે. લોકો કહી રહ્યા છે કે પેટ્રોલ પંપ એ કોઈની ખાનગી જાગીર નથી, તે પબ્લિક લાયસન્સ હેઠળ ચાલતી સરકારી સંલગ્ન સેવા છે, જેમાં કોઈને પણ ઇંધણ આપવાની ના પાડી શકાય નહીં.

HP કંપની અને પુરવઠા વિભાગ પાસે કડક એક્શનની માગ:

આ સનસનાટીભરી ઘટના બાદ વાહનચાલકોમાં ભારે રોષ છે. હવે આ મામલે હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે દરમિયાનગીરી કરે તેવી માંગ પ્રબળ બની છે. ગ્રાહક સુરક્ષા મંડળો અને સ્થાનિકોએ માંગ કરી છે કે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનાર અને ગ્રાહકોને હેરાન કરનાર આ મહાકાળી પેટ્રોલ પંપના માલિક વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને પંપનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.

(8:01 PM IST)