તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાય રહી છે! બંગાળની ખાડીમાં હલચલ વધતા ચોમાસાના શ્રીગણેશની તૈયારી: જાણો ક્યારે આવશે વરસાદ?
IMD નું મોટું અપડેટ: અંડમાનમાં આ સપ્તાહે ચોમાસું દસ્તક દેશે, દેશના અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ - શું ગુજરાતમાં ગરમીથી મળશે રાહ?

અમદાવાદ, તા. ૧૨: આકરી ગરમીનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને મહત્વનું અપડેટ જાહેર કર્યું છે. વાતાવરણમાં થઈ રહેલા સાનુકૂળ ફેરફારોને જોતા આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, અંડમાન સાગર અને અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના કેટલાક ભાગોમાં ચોમાસાનું વિધિવત આગમન થવાની પૂરેપૂરી શક્યતા છે.
ચક્રવાતી સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં ઉત્તર પાકિસ્તાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકના ભાગોમાં પણ ચક્રવાતી સિસ્ટમ સર્જાઈ છે. ૧૫ મેથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.
ક્યાં થશે વરસાદ અને ક્યાં ફૂંકાશે પવન?
આગામી ૧૨ થી ૧૪ મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ૧૨ થી ૧૮ મે દરમિયાન ૪૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પડવાની સંભાવના છે. છત્તીસગઢમાં પણ ૧૩ થી ૧૬ મે દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની સ્થિતિ: હજુ જોવી પડશે રાહ
જ્યારે દેશના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન વરસાદી માહોલ જામવાની તૈયારી છે, ત્યારે ગુજરાતમાં હજુ પણ અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી થોડા દિવસો સુધી તાપમાનમાં ખાસ ઘટાડો જોવા મળે તેવા સંકેત નથી. જોકે, દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન વહેલું થતા ગુજરાતમાં પણ જૂન મહિનાના મધ્ય સુધીમાં વરસાદી માહોલ જામવાની આશા બંધાઈ છે.
મેઘરાજાના આગમનને વધાવવા ખેડૂતો અને જનતા બંને આતુરતાથી આકાશ તરફ નજર માંડીને બેઠા છે ત્યારે IMD નું આ અપડેટ ચોક્કસપણે ઉત્સાહ વધારનારું છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
