તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ગુજરાતના દરિયાકાંઠે આગામી ત્રણ દિવસ ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાશે, અકળામણ યથાવત, 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહતની હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો 42 ડિગ્રીને પાર, રાજકોટ-સુરેન્દ્રનગર સૌથી ગરમ, દરિયાકાંઠે ભેજનું પ્રમાણ વધતા બફારો, 22 મે બાદ વરસાદની તીવ્રતા વધવાની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ તા.૨૫ : રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો દોર યથાવત છે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાવાની આગાહી કરી છે. જેના કારણે તાપમાન પ્રમાણમાં ઓછું હોવા છતાં દરિયાકાંઠે અકળામણ અને બફારો અનુભવાશે. જોકે ચાર દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા પ્રજાને ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજકોટમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ છે અને ભેજનું પ્રમાણ 30 ટકા છે. પશ્ચિમ દિશાના 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. 28 મેના રોજ રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુતમ 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. ભેજનું પ્રમાણ 43 ટકા રહેશે અને યુવી ઇન્ડેક્સ 11 અતિ તીવ્ર રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશાના 25 કિમીની ઝડપે ભેજવાળા પવનો ફૂંકાશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી વધુ 42.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 42.0 ડિગ્રી, ભૂજમાં 41.7 ડિગ્રી અને અમદાવાદમાં 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરિયાકાંઠાના શહેરો દ્વારકામાં 34.0, ઓખામાં 35.9, પોરબંદરમાં 35.5, વેરાવળમાં 33.4 અને દીવમાં 34.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તાપમાન પ્રમાણમાં ઓછું હોવા છતાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી અકળામણ વધી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 3થી 4 દિવસમાં રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળશે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 22 મે બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. 22 થી 24 મે દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.
હાલ અરબી સમુદ્રમાં લો-પ્રેશર ઝોન, બંગાળની ખાડીમાં ડિપ્રેશન, મોનસૂન એક્સિસ અને રાજસ્થાનથી ગુજરાત સુધી સક્રિય ટ્રફ લાઇન એમ ચાર સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને બપોરે 12થી 4 દરમિયાન તડકામાં બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની અપીલ કરવામાં આવી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
