તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરો સામે ગૃહ વિભાગની પ્રચંડ લાલ આંખ : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશથી અમદાવાદ - રાજકોટ સહિત રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશનમાં અનેક શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા
અમદાવાદના ચંદોલા, ગુલાબનગર અને ખોડિયારનગરમાં મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ ત્રાટકી : ૨૯૦ થી વધુ શંકાસ્પદો કસ્ટડીમાં : જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ૧૩૧ ની ધરપકડ અને ૧૬૦ થી વધુ ઘૂસણખોરોની સઘન પૂછપરછ શરૂ

અમદાવાદ: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો અને બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરૂદ્ધ રાજ્યના ગૃહ વિભાગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અને તેમને પકડી પાડવા માટે અમદાવાદ - રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં એક વિશેષ ડ્રાઈવ (ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. આ કડક આદેશના પગલે સમગ્ર ગુજરાત સહિત મુખ્ય શહેરોમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી (SOG) અને અન્ય અગ્રણી સુરક્ષા એજન્સીઓ દ્વારા મોડી રાત્રે સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ આખી રાત ચાલેલા ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ઘૂસણખોરી અને અનધિકૃત રીતે વસવાટ કરતા વિદેશીઓ સામેની આ ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ક્રેકડાઉન, રાતોરાત વિસ્તારો ઘેરી લેવાયા:રાજ્યવ્યાપી મિશન અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં સ્થાનિક પોલીસ એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. આ કડીમાં અમદાવાદમાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે મોડી રાત્રે એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી (JCP) શરદ સિંઘલે આ મેગા ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના ચંદોલા, ગુલાબનગર અને ખોડિયારનગર જેવા શંકાસ્પદ વિસ્તારોને નિશાન બનાવીને આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સફળ ઓપરેશન દરમિયાન ૨૯૦ થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને હાલમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેમની પૂછપરછનો ધમધમાટ ચાલી રહ્યો છે.
૧૩૧ ઘૂસણખોરોની ધરપકડ, અન્ય ૧૬૦ ની આકરી પૂછપરછ: ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી રાત્રિ દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ ૧૩૧ ગેરકાયદેસર ઘૂસણખોરોની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, પકડાયેલા અન્ય ૧૬૦ જેટલા શંકાસ્પદ નાગરિકોના દસ્તાવેજો અને ઓળખપત્રોની તપાસ અર્થે ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પકડાયેલા લોકો ભારતમાં કેવી રીતે પ્રવેશ્યા અને કોણે તેમને આશ્રય આપ્યો તે દિશામાં પણ એજન્સીઓ તપાસ કરી રહી છે. સરકારના આ આકરા પગલાંથી ગેરકાયદેસર રીતે રહેતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
