તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
રાજકોટ ખાતે ઐતિહાસિક ત્રિપક્ષીય સમજૂતી કરાર સંપન્ન : જીએલપીસી, સહકાર અને પશુપાલન વિભાગના સંકલનથી મહિલા દૂધ ઉત્પાદકોનું આર્થિક સશક્તિકરણ
સ્વસહાય જૂથો, સંસ્થાકીય ધિરાણ અને ડેરી સહકારી માળખાના ત્રિવેણી સંગમથી ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાને મળશે નવી પાંખો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ: ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને ડેરી આધારિત આજીવિકાને વધુ સુદૃઢ બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરવા તરફ એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવવંતી ઉપસ્થિતિમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC), સહકાર વિભાગ અને પશુપાલન વિભાગ વચ્ચે એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) સંપન્ન થયા છે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રિપક્ષીય સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો, રાજ્યના સુદૃઢ ડેરી સહકારી માળખા અને પશુપાલન વિભાગની ટેકનિકલ સેવાઓ વચ્ચે પરસ્પર સંકલન સુનિશ્ચિત કરવાનો છે. આ ત્રિવેણી સંગમથી મહિલા દૂધ ઉત્પાદકોને સંગઠિત કરી તેમને સ્વનિર્ભર ડેરી ઉદ્યોગસાહસિક તરીકે વિકસાવવામાં આવશે.
સમજૂતી કરાર (MoU) ની મુખ્ય લાક્ષણિકતાઓ:
* ગ્રામ્ય સ્તરે દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી મહિલાઓને સ્વસહાય જૂથો સાથે જોડી, ક્રમશઃ મહિલા ડેરી ઉત્પાદક જૂથો અને જરૂરિયાત મુજબ ઉત્પાદક સાહસો તરીકે સંગઠિત કરવામાં આવશે.
* મહિલા દૂધ ઉત્પાદકોને સ્વસહાય જૂથો મારફતે બેંક લિંકેજ, સંસ્થાકીય ધિરાણ, પશુ ખરીદી માટે લોન, ડેરી માટે જરૂરી સાધન-સામગ્રી તથા માળખાકીય સુવિધાઓ માટે નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાત્રતા અને ભંડોળની ઉપલબ્ધતા મુજબ વ્યાજ સહાયના લાભો મેળવવામાં પણ માર્ગદર્શન અપાશે.
* પશુપાલન વિભાગ દ્વારા સંતુલિત પશુઆહાર, રસીકરણ, કૃમિનાશક સારવાર, કૃત્રિમ બીજદાન, નસલ સુધારણા અને પશુઆરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. સાથે જ, યોગ્ય પશુની પસંદગી અને આજીવિકા આયોજન માટે ટેકનિકલ સહયોગ અપાશે.
* સહકાર વિભાગના સુદૃઢ નેટવર્ક દ્વારા મહિલા દૂધ ઉત્પાદકોને દૂધ મંડળીઓ અને જિલ્લા દૂધ સંઘો સાથે જોડવામાં આવશે. જીએલપીસી (GLPC) મહિલાઓની ઓળખ, ધિરાણ માર્ગદર્શન અને ઉત્પાદક જૂથોના મજબૂતીકરણની કામગીરી સંભાળશે.
* મહિલા જૂથો દ્વારા પશુઆહારની સામૂહિક ખરીદી, દૂધનું એકત્રીકરણ, ગુણવત્તા સુધારો, પેકેજિંગ, બ્રાન્ડિંગ, પ્રોસેસિંગ અને સામૂહિક માર્કેટિંગ જેવી મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓ હાથ ધરીને મહિલાઓ માત્ર દૂધ ઉત્પાદક ન રહેતાં વ્યવસાયના તમામ તબક્કે સક્રિય ભાગીદાર બનશે.
* આ યોજનાના યોગ્ય અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સંકલન તથા મોનિટરિંગ સમિતિઓની રચના કરવામાં આવશે.
આ સંદર્ભે કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્વસહાય જૂથો, સંસ્થાકીય ધિરાણ અને ડેરી સહકારી માળખાના ત્રિવેણી સંગમથી ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાને નવી પાંખો મળશે. વૈજ્ઞાનિક પશુપાલન, પશુઆરોગ્ય સંભાળ અને મૂલ્યવર્ધન મારફતે મહિલાઓની આવકમાં ટકાઉ વૃદ્ધિ એ રાજ્ય સરકારનો મુખ્ય સંકલ્પ છે. રાજ્ય સરકારની આ સુગ્રથિત પહેલથી ગ્રામીણ મહિલાઓની પશુપાલનમાં સક્રિયતા વધશે, સંસ્થાકીય ધિરાણ સુધીની પહોંચ સરળ બનશે અને દૂધ ઉત્પાદકતા તથા ગુણવત્તામાં સુધારા સાથે ગ્રામ્ય પરિવારોની આવકમાં ટકાઉ વૃદ્ધિ થશે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
