<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક સફળતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો 24 થી 26 મે દરમિયાન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ : નર્મદાના રાજપીપળામાં ભવ્ય રોડ શો થકી જનતાનો આભાર માનશે

પ્રથમ અને ત્રીજા દિવસે અમદાવાદ ખાતે પદાધિકારીઓ-લીડરશિપ સાથે રણનીતિ બેઠક, 25 મેના રોજ નર્મદા જિલ્લા પંચાયતમાં મળેલી જીતના ઉપલક્ષ્યમાં કેજરીવાલ રોડ શોમાં જોડાઈ જનતાને સંબોધિત કરશે: પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા

રાજકોટ તા.૨૩ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 24, 25 અને 26 મેના રોજ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી આ માહિતી આપી હતી અને પ્રવાસને ગુજરાત AAP માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. 

 

ત્રણ દિવસનો કાર્યક્રમ

 

 

મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 24મી મેના રોજ અમદાવાદ ખાતે પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સંગઠન મજબૂતીકરણ અને ગુજરાતના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. 

25મી મેના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હોવાના ઉપલક્ષ્યમાં જનતાનો આભાર વ્યક્ત કરવા માટે આ રોડ શો યોજાશે. અરવિંદ કેજરીવાલજી પોતે આ રોડ શોમાં ઉપસ્થિત રહી જનતાને સંબોધિત કરશે. 

26મી મેના રોજ ફરી એકવાર અમદાવાદ ખાતે પાર્ટીની તમામ લીડરશિપ, ધારાસભ્યો અને સિનિયર પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી ચૂંટણીઓની રણનીતિ, જનસંપર્ક કાર્યક્રમો અને પાર્ટીના વિસ્તરણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. 

 

AAP મજબૂત વિપક્ષ તરીકે ઊભરી

 

 

સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી રાજ્યમાં બીજા નંબરનો પક્ષ બનીને ઊભરી છે. 34 જિલ્લા પંચાયતોમાંથી નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી છે. ગુજરાતના લોકોએ પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને નવો વિકલ્પ ઈચ્છે છે તેનું આ પ્રમાણ છે. 

 

ભાજપ પર આકરા પ્રહાર

 

 

તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હાલ ડીઝલ-પેટ્રોલની અછત, મોંઘવારી, ધંધાઓમાં મંદી અને વીજળીના અભાવે લાંબા પાવર કટ જેવી સમસ્યાઓથી લોકો પરેશાન છે. છેલ્લા 30 વર્ષથી ભાજપને મત આપ્યા છતાં આજે ગુજરાતની સ્થિતિથી લોકો થાકી ગયા છે. આવા સમયમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ અને આશાનું કિરણ બનીને ઊભરી છે. 

 

 

 

જનતાને અપીલ

 

 

મનોજ સોરઠીયાએ નર્મદા જિલ્લાના તમામ નાગરિકો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને 25 મેના રોજ રાજપીપળા ખાતે યોજાનારા રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જનતાના સાથ અને આશીર્વાદથી જ ગુજરાતમાં પરિવર્તન શક્ય બનશે.

(2:19 PM IST)