તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
NPS રોકાણકારો માટે ઐતિહાસિક રાહત: હવે ગંભીર બીમારીના સમયે મેડિકલ ઇમરજન્સીમાં સમય પહેલા પાછા મળી શકશે પેન્શનના પૈસા; PFRDA એ એન્યુઇટી પોલિસીના નિયમોમાં કર્યો મોટો બદલાવ
નિવૃત્તિ પહેલાં જમા પૂંજી અટવાઈ જવાની પીડાનો અંત; લાખો સબ્સ્ક્રાઇબર્સની વ્યાપક ફરિયાદો બાદ સરકારે પોલિસી સરેન્ડર કરવાની શરતો હળવી કરી, જૂના રોકાણકારોને પણ મળશે આ મોટો ફાયદો

ગાંધીનગર: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં પોતાના ભવિષ્ય માટે નિયમિત રોકાણ કરનારા લાખો નોકરિયાત અને સામાન્ય નાગરિકો માટે સરકારે એક બહુ મોટા અને રાહતના સમાચાર આપ્યા છે. જો સબ્સ્ક્રાઇબર અથવા તેના પરિવારના કોઈ પણ સભ્યને અચાનક કોઈ ગંભીર બીમારી લાગુ પડે, તો હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે પેન્શન ફંડમાં જમા થયેલા પૈસા હવે સમય પહેલાં (Pre-mature Withdrawal) કાઢી શકાશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ એન્યુઇટી પોલિસી સરેન્ડર કરવાના વર્ષો જૂના કડક નિયમોમાં આ એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી બદલાવ કર્યો છે.
અત્યાર સુધીના નિયમો મુજબ, NPS હેઠળ એકવાર એન્યુઇટી પોલિસી શરૂ થઈ ગયા પછી તેને અધવચ્ચેથી બંધ કરવી કે તેમાંથી કટોકટીના સમયે પૈસા પાછા ખેંચવા લગભગ અશક્ય સમાન હતા. સરકારનો મુખ્ય હેતુ એ હતો કે નિવૃત્તિ પછી વૃદ્ધાવસ્થામાં લોકોને લાંબા સમય સુધી નિયમિત માસિક આવક મળતી રહે. પરંતુ વર્તમાન સમયની તબીબી મોંઘવારી અને ગંભીર પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે.
ખાસ કેસમાં પોલિસી સરેન્ડર કરવાની મંજૂરી મળશે
નવી સત્તાવાર ગાઇડલાઇન અનુસાર, જો એન્યુઇટી લેનાર મુખ્ય વ્યક્તિ અથવા તેના આશ્રિત પરિવારના સભ્યને કોઈ ગંભીર બીમારી થાય, તો એન્યુઇટી સર્વિસ પ્રોવાઇડર (ASP) ખાસ કિસ્સા તરીકે પોલિસી સરેન્ડર કરવાની અને રોકાણના નાણાં મુક્ત કરવાની મંજૂરી આપી શકશે. જોકે, આ આર્થિક રાહત મેળવવા માટે બીમારી ખરેખર કેટલી ગંભીર છે અને તેમાં તાત્કાલિક મોટા ભંડોળની જરૂર છે કે નહીં, તેની તપાસ સંબંધિત કંપની પોતાના નિયત માપદંડો અને મેડિકલ રિપોર્ટ્સના આધારે કરશે.
જૂની પોલિસી ધારકોને પણ મળશે લાભ:
આ નવીનતમ સુધારાની સૌથી મોટી અને મહત્વની બાબત એ છે કે 24 ઓક્ટોબર 2024 પહેલાં ઇશ્યૂ થયેલી કેટલીક જૂની પોલિસીઓમાં જો સરેન્ડર કરવાનો કોઈ પણ પૂર્વ વિકલ્પ કે શરત લખેલી હશે, તો તે તમામ જૂના સબ્સ્ક્રાઇબર્સ પણ આ નિયમ હેઠળ પોતાની રકમ પાછી મેળવી શકશે. PFRDA ને લાંબા સમયથી એવી અસંખ્ય ફરિયાદો અને અરજીઓ મળી રહી હતી કે કડક સરકારી નીતિઓના કારણે લોકો મેડિકલ ઇમરજન્સીના સમયે પોતાના જ પૈસા હોવા છતાં લાચાર બની જતા હતા. આ વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
ફ્રી લુક પિરિયડ બાદ સંપૂર્ણ નિયમો લાગુ થશે
અહીં એ બાબત નોંધવી જરૂરી છે કે ફ્રી લુક પિરિયડ પૂરો થયા પછી આ પોલિસી સામાન્ય સંજોગોમાં સંપૂર્ણપણે બંધ કરવાની છૂટ દરેક રોકાણકારને વગર કારણે નહીં મળે. સરેન્ડર પ્રક્રિયા બાદ મળેલી રકમનો શરતો અનુસાર ફરીથી નવી એન્યુઇટી ખરીદવા માટે પણ ઉપયોગ થઈ શકે છે.
આ મોટા ફેરફારનો સીધો અને ત્વરિત ફાયદો એવા મધ્યમ વર્ગના લોકોને મળશે જેઓ NPS માં વર્ષોથી પોતાની પરસેવાની કમાણી રોકી રહ્યા છે અને અચાનક કોઈ મોટી સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરી રહ્યા છે. હવે ગંભીર બીમારીના સંકટ સમયે પોતાના જ જમા કરેલા નાણાં મેળવવા માટે કોઈ પણ નાગરિકે લાંબી કાનૂની પ્રક્રિયા કે નિવૃત્તિની ઉંમર સુધી રાહ જોવી પડશે નહીં.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
