<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

IITE ગાંધીનગરનો ઐતિહાસિક નિર્ણય : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ૭ નવી યુનિવર્સિટી સ્કૂલ્સની કરાઈ સ્થાપના

ડિરેક્ટર ડો. મેહુલ દવેના નેતૃત્વમાં AI ના એડ્યુકેટર્સ તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે IITE : નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે રાજ્ય સરકારે રૂ. ૧૨૭ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી

ગાંધીનગર: ગાંધીનગરમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશને (IITE) પોતાના શૈક્ષણિક માળખાનું અભૂપૂર્વ વિસ્તરણ કરીને નવી ૭ યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૦માં સ્થાપવામાં આવેલી આ સંસ્થા હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP) ના સફળ અમલીકરણ બાદ "યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ" અને મલ્ટિડિસિપ્લિનરી એટલે કે બહુવિદ્યાશાખાકીય એકેડેમિક મોડલ તરફ ઝડપથી આગળ વધી રહી છે. આ ભગીરથ વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ પૂરું પાડવાનો, કૌશલ્ય આધારિત વિશિષ્ટ અભ્યાસક્રમો આપવાનો અને શિક્ષણ જગતમાં ઉચ્ચ સ્તરના સંશોધનોને વ્યાપક પ્રોત્સાહન આપવાનો છે.
આ શૈક્ષણિક કાયાકલ્પ સંદર્ભે વિશેષ વિગતો આપતા સંસ્થાના ડિરેક્ટર ડો. મેહુલ દવેએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં એઆઈ (AI) ના એડ્યુકેટર્સ તૈયાર કરતી IITE સમગ્ર ભારત દેશની સર્વપ્રથમ યુનિવર્સિટી બનવાનું બહુમાન મેળવશે. ડો. મેહુલ દવેના જણાવ્યા અનુસાર, IITE ને 'યુનિવર્સિટી ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ' નું વૈશ્વિક સ્તરનું કદ આપવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સંસ્થાના નવા હાઈટેક બિલ્ડિંગ અને આધુનિક હોસ્ટેલના નિર્માણ માટે રૂ. ૧૨૭ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ટીચર એજ્યુકેશનની વ્યાખ્યાને અત્યંત વિશાળ બનાવવામાં આવી છે. જેમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર, જીમ, થિયેટર, પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના નિષ્ણાત મેન્ટર્સ તેમજ સાયન્સ, લેંગ્વેજીસ, Social Science અને ફિઝિકલ એજ્યુકેશન જેવા અનેકવિધ વિષયોના તજજ્ઞોને સાંકળી લેવામાં આવ્યા છે.
શિક્ષણ ક્ષેત્રે શરૂ કરાયેલી નવી ૭ વિશેષ સ્કૂલ્સની યાદી:
વૈશ્વિક સ્તરે શિક્ષણ પ્રણાલીમાં આવી રહેલા નૂતન પરિવર્તનોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કેમ્પસ ખાતે નીચે મુજબની ૭ અદ્યતન સ્કૂલ્સ કાર્યરત કરવામાં આવી છે:
૧. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન સાયન્સીસ એન્ડ મેથેમેટિક્સ
૨. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ
૩. સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ એન્ડ યોગા
૪. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ એન્ડ ફાઇન આર્ટ્સ
૫. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ એજ્યુકેશનલ લીડરશિપ
૬. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇમર્જિંગ એરિયાઝ
૭. સ્કૂલ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન
વિજ્ઞાનનો વિદ્યાર્થી પણ હવે ભણી શકશે ફિલોસોફી અને AI:
નવા શૈક્ષણિક માળખાના આગમનને કારણે હવે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોની સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રમત-ગમત, કલા સંસ્કૃતિ અને મેનેજમેન્ટ જેવા પ્રગતિશીલ વિષયોને પ્રત્યક્ષ રીતે શિક્ષણ કાર્ય સાથે જોડવામાં આવશે. જેના લીધે વિદ્યાર્થીઓ પરંપરાગત પદ્ધતિઓને સ્થાને નવીન ટેકનોલોજીની મદદથી આંતરવિષયક (ઈન્ટરડિસિપ્લનરી) સંશોધન કરી શકશે. નવી શિક્ષણ નીતિના કારણે હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ પણ વિદ્યાર્થી પોતાની અંગત રુચિ અનુસાર કેરિયર બનાવવા માટે AI કે ફિલોસોફી (તત્વજ્ઞાન) જેવા રસપ્રદ વિષયોને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી મેળવશે.
Ph.D. અને રિસર્ચ ક્ષેત્રે ખુલશે પ્રગતિની નવી ક્ષિતિજો:
આ વ્યાપક શૈક્ષણિક વિસ્તરણ પૂર્ણ થતાં જ સંસ્થામાં વિજ્ઞાન-ટેક્નોલોજી, માનવવિજ્ઞાન, શૈક્ષણિક નેતૃત્વ (લીડરશિપ) અને કલા-રમતગમત જેવા બહુવિધ મહત્વના ક્ષેત્રોમાં Ph.D. તેમજ ઉચ્ચ સ્તરીય પ્રોજેક્ટ રિસર્ચ માટે વિપુલ તકો ઉભી થશે. આમ, IITE ગાંધીનગરે ભવિષ્યની વૈશ્વિક જરૂરિયાતો અને સંભાવનાઓને ધ્યાનમાં રાખીને દેશને સર્વાંગી જ્ઞાન ધરાવતા આદર્શ શિક્ષકો અને કુશળ શૈક્ષણિક લીડરો પૂરા પાડવાની દિશામાં એક મજબૂત કદમ માંડ્યું છે.

 

(3:50 PM IST)