<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

અમદાવાદની એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટીટયુટના ડો.અમન પટેલની ઐતિહાસિક સિધ્‍ધિ

ગુજરાતમાં પ્રથમવાર ‘ટ્રાન્‍સ કેવલ ટાવર' અને ‘પલ્‍મોનરી વાલ્‍વ'ની જટીલ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડતા ડો.અમન પટેલ : અમદાવાદની એપેક્‍સ હાર્ટ હોસ્‍પીટલના આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત કાર્ડિયોલોજીસ્‍ટ પદ્મભૂષણ ડો.તેજસભાઇ પટેલના પુત્ર ડો. અમન પટેલે ગુજરાતના બે દર્દીઓ ઉપર વાલ્‍વને લગતા બે ખુબજ અઘરા કેસને સફળતા પૂર્વક પાર પાડયા. * બે જ દિવસમાં ડોક્‍ટર સાહેબે ગુજરાતના સૌ પ્રથમ બે યુનિક કેસ કરી ઇતિહાસ રચી દીધો. *૬૦ વર્ષના મહિલા દર્દીના ઓપન હાર્ટ સર્જરીના ૧૦ વર્ષ પછી શરૂ થયેલ વાલ્‍વના પ્રોબ્‍લેમમાં પગની નસો બહુ સાંકડી હોય અને સામાન્‍ય રસ્‍તો વાપરી શકાય તેમ નહોય, આ જટિલ કેસ ‘ટ્રાન્‍સ કેવલ ટાવર' પદ્ધતિનો ઉપયોગ કરી નવજીવન આપ્‍યું. *ટ્રાન્‍સ કેવલ ટાવર પધ્‍ધતિથી વાલ્‍વ બદલવામાં ૩ થી ૪ ટકા જોખમ રહેલું હોય છે. જ્‍યારે ઓપન હાર્ટ સર્જરીનું જોખમ ૧૫ થી ૨૦ ટકા હોય છે. *ગુજરાતમાં વાલ્‍વના દર્દીઓની સંખ્‍યા વધતી જાય છે. *જનમથી અસામન્‍ય હાર્ટ સાથે રહેલા અને અચાનક બેભાન થઇ જતા દર્દી જે હાલ ૪૨ વર્ષના છે તેના પર ‘પલ્‍મોનરી વાલ્‍વ સર્જરી' અને પેસમેકર મુકી સ્‍વસ્‍થ કર્યા જે પણ ગુજરાતમાં પ્રથમવાર બન્‍યું.

રાજકોટઃ પહેલા જ્‍યારે હ્રદયના વાલ્‍વ બગડે ત્‍યારે ઓપન હાર્ટ સર્જરી દ્વારા તેને બદલવાની પ્રક્રિયા થતી જે દર્દી માટે ખુબ પીડા દાયક અને જોખમી ઉપરાંત ખીસ્‍સાને પરવડે તેવી નહોતી. જ્‍યારે ગુજરાતના ખુબજ યુવા અને પ્રખ્‍યાત ડોક્‍ટર ડો.અમન તેજસભાઇ પટેલ દ્વારા અમદાવાદ ખાતે આવેલ એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટીટ્‍યુટ ખાતે નવી ટેક્રોલોજી દ્વારા વાલ્‍વ બદલવાની અત્‍યાધુનિક ટેકનીક દ્વારા લોકોના જીવનને સુધારવામાં અને આયુષ્‍ય વધારવામાં મદદ કરી રહ્યા છે. ડો.અમન પટેલ માસ્‍ટર ઓફ ઇન્‍ટરનલ મેડિસીન (એમ.ડી.), ડોક્‍ટરેટ ઇન મેડીસીન (કાર્ડિયોલોજી)(ડી.એમ), ડોક્‍ટરેટ ઓફ નેશનલ બોર્ડ ન્‍યુ દિલ્‍હી (કાર્ડિયોલોજી), કન્‍સલ્‍ટન્‍ટ સ્‍ટ્રક્‍ચરલ અને ઇન્‍ટરવેન્‍શનલ કાર્ડિયોલોજિસ્‍ટ, ટ્રાન્‍સકેથેટર હાર્ટ વાલ્‍વ થેરાપીના નિષ્‍ણાંત તબીબ છે અને અમદાવાદની એપેક્‍સ હાર્ટ હોસ્‍પીટલના આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત કાર્ડિયોલોજીસ્‍ટ પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલના પુત્ર છે. તાજેતરમાં ડો. અમન પટેલે ગુજરાતના બે દર્દીઓ ઉપર વાલ્‍વને લગતા બે ખુબજ અઘરા કેસને સફળતા પૂર્વક પાર પાડ્‍યા છે. અકિલા સાથે ડો. અમન પટેલે આ વિશે ખુલ્‍લા દિલે વાત કરી હતી.

ડો. અમન પટેલે જણાવ્‍યું હતું કે, આપણે બે યુનિક કેસ કર્યા છે. અત્‍યાર સુધી એઓટિક અને માઇટલ વાલ્‍વ ઉપર ઘણું કામ કર્યું જે અત્‍યારે ભારતમાં ટોપ ફાઇવ અને ગુજરાતમાં નંબર વન પર આવે છે. આ બંને વાલ્‍વ માટે ટાવર પધ્‍ધતિ દ્વારા, માઇટ્રલ માટે ટીએમવીઆર દ્વારા તેઓ વાલ્‍વ બદલવાની પ્રક્રિયા કરે છે જેનો વિસ્‍તૃત લેખ અકિલા (૧૭.૧૧.૨૦૨૫ પેઇજ નં. ૧૧) માં પ્રસિધ્‍ધ થઇ ચૂક્‍યો છે. જેના અનેક કેસો ડો. અમન પટેલ દ્વારા હાથ ધરાયા અને ખુબજ સારૂ પરિણામ પણ મળ્‍યું. જ્‍યારે આ વર્ષે મારી પાસે બે યુનિક કેસ આવ્‍યા જેમાં એક ૬૦ વર્ષના વૃધ્‍ધાને ૧૦ વર્ષ પહેલા ઓપન હાર્ટ સર્જરી કરાવી હતી અને માઇટ્રલ વાલ્‍વ બદલાવ્‍યો હતો. જ્‍યારે હવે તેમને એઓટીક વાલ્‍વમાં તકલીફ થઇ. જે ઓપન હાર્ટ સર્જરી દ્વારા રીપ્‍લેસ કરી શકાય તેમ હતો પણ તેમના શરીરની હાલત અને અન્‍ય તકલીફો જેમકે, ફેફસાનો પ્રોબલેમ, લીવર પર થોડો સોજો, વજન ઓછુ અને કિડનીનો પ્રોબ્‍લેમ હતો જેને કારણે ઓપન હાર્ટ સર્જરી કરવી ખુબજ જોખમ કારક હતી. એટલે કાર્ડિયાક સર્જનનો પણ એવો અભિપ્રાય હતો કે આ પ્રોસીજર જો ટાવર પધ્‍ધતિથી થઇ શકે તો દર્દી માટે વધુ સલામત રહેશે. કારણ બીજી વાર ઓપન હાર્ટ સર્જરી આવા દર્દી માટે જોખમી કહી શકાય.

આ ૬૦ વર્ષના દર્દી જ્‍યારે એપેક્‍સમાં ડો.અમન પટેલ પાસે આવ્‍યા ત્‍યારે તેમણે સંપૂર્ણ તપાસ કરી. સામાન્‍ય રીતે હ્રદયના વાલ્‍વ બદલવા માટે પગની ધમણી માંથી વાયર પસાર કરી હૃદય સુધી પહોંચી વાલ્‍વ બદલવાના હોય છે જેને ટાવર પધ્‍ધતિ કહે છે. જ્‍યારે આ બહેનના કિસ્‍સામાં પગની ધમણી ખુબજ નાની હતી. વાલ્‍વ બદલવા માટે પગની ધમણીનું જરૂરી ડાયામીટર ૬ મીલી મીટર હોય જ્‍યારે આ વૃધ્‍ધાના પગની ધમણીનું ડાયામીટર માત્ર ૩.૫ મીલી મીટર હતું. પરિણામે પગની ધમણીમાંથી હૃદય સુધી વાલ્‍વ બદલવા પહોંચી શકાય તેમ નહોતું. ડો. અમને દર્દીના ખભાની નળી, ગળની નળી તપાસી તો તેની સાઇઝ પણ ખુબજ નાની હતી પરિણામે વાલ્‍વ શરિરમાં દાખલ કરવો અઘરો હતો. આ કેસમાં ડો. અમન પટેલ દ્વારા યુનિક અપ્રોચ લઇ ખુબજ અઘરી પધ્‍ધતિ ટ્રાન્‍સ કેવલ ટાવર (Trans-caval TAVR) દ્વારા હૃદયનો વાલ્‍વ બદલવાની પ્રક્રિયા હાથ ધરાઇ. આ એક એવી આધુનિક પદ્ધતિ છે જેમાં ઓપન-હાર્ટ સર્જરી કર્યા વગર હૃદયનો નવો વાલ્‍વ બેસાડવામાં આવે છે. ?સામાન્‍ય રીતે આ ઓપરેશન પગની મુખ્‍ય નસ (Femoral Artery) દ્વારા કરવામાં આવે છે. પરંતુ જ્‍યારે કોઈ દર્દીના પગની નસો બહુ સાંકડી હોય, બ્‍લોક હોય કે વાંકીચૂકી હોય, ત્‍યારે સામાન્‍ય રસ્‍તો વાપરી શકાતો નથી. આવા જાટિલ કેસોમાં ટ્રાન્‍સ કેવલ ટાવર (Trans-caval TAVR) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

ડો. અમન પટેલ કહે છે, આ વૃધ્‍ધ મહિલા દર્દીના કેસમાં અમે બીજો રસ્‍તો અપનાવ્‍યો જેમાં શરીરમાં પગની ધમની જતી હોય તેની સાથે એક મુખ્‍ય નસ એટલે કે શિરા જતી હોય છે. શિરા એ અશુધ્‍ધ લોહિ હૃદયમાં લઇ જવાનું કામ કરે છે. આ પદ્ધતિમાં ડો. અમન દ્વારા શરીરની મુખ્‍ય નસ (Inferior Vena Cava- જે અશુદ્ધ લોહી હૃદય સુધી લઈ જાય છે) જેની સાઇઝ મોટી હોય છે. ડો. અમન પટેલ અને તેમની ટીમે આ પગની મહાશિરા માં વાયર પસાર કર્યો જેમાં ઇલેક્‍ટ્રિક કરંટ કરી એક કાણું શિરામાં પાડ્‍યું અને તેમાંથી મહા ધમણી કે જ્‍યાં ઉપર બાજુ તેની સાઇઝ ૧૨ મીલી મીટર હતી તેમાં ઘુસ્‍યા. એટલે પહેલા શિરામાંથી થઇ મહા ધમણીમાં જઇ અને ત્‍યાંથી વાલ્‍વ બદલવાની ખુબજ જટીલ પ્રક્રિયા કરી. વાલ્‍વ બરાબર ગોઠવાઈ ગયા પછી બંને મુખ્‍ય નસો વચ્‍ચે કરેલા પંચર (હોલ) ને એક કવર સ્‍ટેન્‍ટ વડે સુરક્ષિત રીતે બંધ કરી દેવામાં આવ્‍યું. જે સમય જતાં શરીરનો જ એક ભાગ બની જાય છે. આ પ્રોસીજર ડો. અમન પટેલ દ્વારા ૨૭ મેં ૨૦૨૬ ને બુધવારના રોજ કરવામાં આવી અને બીજા જ દીવસે તે મહિલા દર્દી હરતા ફરતા થઇ ગયા. ડો. અમન કહે છે ટ્રાન્‍સ કેવલ ટાવર એ સમગ્ર વિશ્વમાં પણ જોઇએતો દુર્લભ છે. એટલે એક હજાર ટાવરના કેસ થતા હોય તો તેમાંથી વિશ્વમાં કદાચ એક આવો ટ્રાન્‍સ કેવલ ટાવરનો કેસ થતો હશે.! જે દર્દીઓના પગની નસો નબળી કે સાંકડી હોય અને ટ્રેડિશનલ ટાવર પધ્‍ધતિ  શક્‍ય ન હોય, તેમના માટે આ એકમાત્ર સુરક્ષિત વિકલ્‍પ બને છે. ‘ટ્રાન્‍સ કેવલ ટાવર' પધ્‍ધતિથી હૃદયનો વાલ્‍વ બદલવાનો ગુજરાતનો આ પ્રથમ કેસ ડો. અમન પટેલ દ્વારા સફળતા પૂર્વક કરાયો. જ્‍યારે છેલ્‍લા ૨૦ વર્ષમાં ભારતમાં અત્‍યાર સુધી આવા ૭ થી ૮ જ કેસ થયા છે. ટ્રાન્‍સ ફિમોરલ ટાવર જે રૂટીન છે અને ૯૫ ટકા કેસ એ રીતેજ થાય છે જ્‍યારે ફિમોરલની સાઇઝ બરાબર ન હોય ત્‍યારે બીજા રસ્‍તાઓ વિચારવા પડે જેમકે ખભાની નળી અથવા ગળાની નળીમાંથી તે વાલ્‍વ બદલી શકાય પણ ધમણીમાં ડાયરેક્‍ટ એક્‍સેસ લીધા વિના જ્‍યારે ટાવર કરીએ એટલે કે શિરા માંથી ધમણીમાં એન્‍ટર થઇને જે વાલ્‍વ બદલાય તેને ટ્રાન્‍સ કેવલ ટાવર પધ્‍ધતિ કહેવાય. ડો. અમન કહે છે, આ દર્દીમા ટ્રાન્‍સ કેવલ ટાવર દ્વારા વાલ્‍વ બદલવામાં સાડા ત્રણ કલાક જેટલો સમય થયો. જેમાં દર્દીને જનરલ એનેસ્‍થેસિયા આપવામાં આવ્‍યો હતો જેથી પીડા વધારે ન થાય. સામાન્‍ય વાલ્‍વ બદલવાની ટાવર પધ્‍ધતિમાં ૧ થી ૨ ટકા જોખમ હોય છે જ્‍યારે ટ્રાન્‍સ કેવલ ટાવર પધ્‍ધતિથી વાલ્‍વ બદલવામાં ૩ થી ૪ ટકા જોખમ રહેલું હોય છે. જ્‍યારે ઓપન હાર્ટ સર્જરીનું જોખમ ૧૫ થી ૨૦ ટકા હોય તેની સામે આ ૩ થી ૪ ટકા ઘણુ ઓછુ જોખમ કહેવાય. જો આવા દર્દીમાં કંઇજ કરવામાં ન આવે તો ૧ થી ૨ વર્ષથી વધુ તેઓ જીવી ન શકે.

 ડો. અમન પટેલ કહે છે, આ બહેનને ઓપન હાર્ટ સર્જરીના ૧૦ વર્ષ પછી છેલ્‍લા બે વર્ષથી વાલ્‍વનો પ્રોબ્‍લેમ શરૂ થયો હતો જે વધતો ગયો. આ દર્દીને રૂમેટિક હાર્ટ ડીસીઝ નામની બીમારી હતી. જેમાં ૩૦ થી લઇ ૫૦ વર્ષ સુધી બધા પ્રોબ્‍લેમ આવતા હોય છે. માઇટ્રલ વાલ્‍વ તેમને રિપ્‍લેસ થઇ ગયો હવે તેમને એઓટિક વાલ્‍વની તકલીફ ઉદભવી હતી. હાર્ટ સર્જને ઓપન હાર્ટ સર્જરીમાં વધુ જોખમ દર્શાવ્‍યુ ત્‍યારે આપણે ટાવર વિશે વિચાર્યુ પણ ધમણીની સાઇઝ ખુબ નાની હોવાથી બીજા વિકલ્‍પ રૂપે ટ્રાન્‍સ કેવલ ટાવર દ્વારા આ ઓપરેશન પાર પાડ્‍યું. આ વાલ્‍વ ૧૦ થી ૧૫ વર્ષ ચાલે છે. જો ભવિષ્‍યમાં વાલ્‍વ ખરાબ થશે તો ફરી આજ પધ્‍ધતિથી બીજો વાલ્‍વ બદલી શકાશે. નવાઇની વાત એ છે કે આ પ્રોસીજર પછી દર્દીએ કોઇજ નિયંત્રણ રાખવાના નથી. તે રૂટીન લાઇફ જીવી શકે છે. બીજા દિવસે દર્દી હરતા-ફરતા થઇ જાય અને ત્રીજા દીવસે ચાલતા ઘરે પણ જઇ શકે છે. ઉલ્‍લેખનીય છે કે, ડો. અમન પટેલ અને તેમની ટીમ જે ટેકનોલોજી અને સાધન સામગ્રી વાપરે છે તે એજ છે પણ ટ્રાન્‍સ કેવર ટાવરની જે કાર્યપધ્‍ધતિ છે તે આખી અલગ છે. આ માત્ર અનુંભવી સેન્‍ટરમાંજ થઇ શકે છે કે જ્‍યાં તમામ ટેક્રોલોજી ઉપલબ્‍ધ હોય. ૬૦ વર્ષના વૃધ્‍ધ મહિલા દર્દીના કુટુંબીજનોને ૪ ટકા જોખમનું જણાવ્‍યું છતા તેઓએ ડો. અમન પટેલ પર સંપૂર્ણ વિશ્વાસ મુક્‍યો.

 હાલ એઆઇ ટેકનોલોજી આવી છે તેના દ્વારા ટાવરમાં સીટી સ્‍કેનનું એનાલીસીસ, રીસ્‍ક કેલક્‍યુલેશન વગેરેમાં ઉપયોગ થાય પણ ઓપરેશન એઆઇ ટેક્રોલોજી ન કરી શકે. ટાવર પધ્‍ધતિથી ઓપરેશન માટે બહોળો અનુંભવ અને અત્‍યાધુનિક ટેક્રોલોજી સાથે સાધન સામગ્રીની જરૂર પડે છે જે અમદાવાદ ખાતે એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટીટ્‍યુટના ડો. અમન તેજસભાઇ પટેલ પાસે છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

ટ્રાન્‍સ કેવર ટાવર થી વાલ્‍વ બદલ્‍યા બાદ આવા દર્દીને હૃદયની કોઇ સમસ્‍યા થઇ તો શું કરી શકાય? ડો. અમન પટેલ કહે છે, હાર્ટનો એટેક કે નળીમાં બ્‍લોકેજ, વાલ્‍વ ખરાબ થાય છે. આવા દર્દીને ક્‍લોટની દવા આપતા હોય એટલે તે થવાના ચાન્‍સ નહિવત છે. જો નળીમાં બ્‍લોકેજ થાય તો તે ધોરણસર કરી શકીએ. જોકે ૫ થી ૭ વર્ષમાં એવા પણ વાલ્‍વ આવશે જે ૩ મીલી મીટરની ધમણીમાંથી પણ પસાર થઇ શકે. નોંધનીય છે કે, આ વાલ્‍વ ભારતમાંજ બને છે. એટલુંજ નહી ગુજરાતના વાપીમાંજ બને છે. જે વિદેશમાં પણ ઉપયોગમાં લેવાય છે. આપણા દેશમાં વિદેશના વાલ્‍વ ઉપયોગમાં લઇએ તો મીડલ ક્‍લાસ લોકોને તે પરવડે નહીં જેથી ભારતમાં બનતા વાલ્‍વ પણ એજ કામ આપે છે. જે દર્દીને પરવડે પણ છે. ટ્રાન્‍સ કેવર ટાવર જે ગુજરાતમાં પ્રથમ પ્રોસીજર ડો. અમન પટેલ દ્વારા થઇ તે પહેલા તેઓએ ખુબ વિચાર્યુ. શું કરવું, કઇ રીતે કરવું, સાહેબ સાથે આ વિશે વિસ્‍તૃત ચર્ચા કરી કઇ રીતે થઇ શકે તેનું જીણવટ પૂર્વકનું પ્‍લાનિંગ તેઓએ કર્યું હતું. જોકે તેઓને એટલો આત્‍મવિશ્વાસ હતો કે આ અઘરી પ્રોસીજર થઇ શકશે. જે ૪ ટકા જોખમ હોય એ તો ઇશ્વરના હાથમાં હોય છે. ક્‍યારેક દર્દિનું તો ક્‍યારેક ડોક્‍ટરનું કમનસીબ હોય તેવું બને પણ ઉપરવાળાનો સપોર્ટ ન હોય તો રિઝલ્‍ટ ના મળે પણ એનો મતલબ એ નથી કે જોખમ ન લેવું. જો દર્દીના સગા દર્દીના જીવન માટે જોખમ લે તો તબીબે પણ જોખ લઇ તેની આવડતનો ઉપયોગ કરવો જોઇએ. શિરામાંથી ધમણીમાં જઇ વાલ્‍વ બદલવો તે એક મેડિકલ સાયન્‍સનો ચમત્‍કાર જ કહી શકાય. આજકાલ ઇઇસીપી થી હ્રદયરોગ સ્‍વસ્‍થ કરવાની પધ્‍ધતિ ખુબ વાયરલ થઇ છે. ડો.અમન પટેલનું કહેવું છે કે, ઇઇસીપી આપણા દેશમાં જેટલું ચાલી રહ્યું છે તેટલું બીજે ક્‍યાંય નથી ચાલતું. એ એવી ટ્રીટમેન્‍ટ છે જે દર્દીઓને ગમે છે. જેમાં શરિરમાં પ્રેસર આપવામાં આવે છે જે સાયન્‍ટિફીકલી ઇઇસીપી થી હાર્ટ એટેક આવવાનું રીસ્‍ક ઓછું થતું નથી, હ્રદયનું પમ્‍પીંગ વધતુ નથી, આયુષ્‍ય વધતુ નથી. ઇઇસીપી થી માત્ર જે દર્દીઓમાં બાયપાસ થઇ શકે તેમ ન હોય, એન્‍જીયોપ્‍લાસ્‍ટી થઇ શકે તેમ ન હોય, એવી જગ્‍યાએ બ્‍લોકેજ હોય જેનું કંઇ થઇ શકે નહીં ત્‍યારે તેમને એન્‍જાયના થતો હોય એટલે કે ચાલવાથી છાતી નો દુખાવો થતો હોય અને તેની દવાઓ પણ કામ ન કરતી હોય ત્‍યારે ઇઇસીપી એક વધારાની ટ્રીટમેન્‍ટ છે જે થોડો-ઘણો ફાયદો કરે છે. આપણા દેશમાં ઘણા બધા લોકો જેને બાયપસની જરૂર છે તે ઇઇસીપી માં જઇ રહ્યા છે તે બિલકુલ નોન સાયન્‍ટિફીક વસ્‍તુ છે.

 ગુજરાતના પ્રથમ ટ્રાન્‍સ કેવલ ટાવરની સર્જરીમાં ડો.અમન પટેલ સાથે ડો.સંજય શાહ, ડો.માણિક ચોપડા અને ડો. સેફ અલી રહ્યા હતા. આ સમયે ડો. તેજસભાઇ પટેલની પણ હાજરી હતી. ડો. અમન કહે છે, આવા દર્દી બહુ ઓછા હોય છે. ગીચ જગ્‍યામાં રહેતા, લોઅર સોશિયલ ઇકોનોમી ક્‍લાસમાં અવા દર્દીઓ જોવા મળે છે. આ એવા દર્દી છે જે બધેથી રીજેક્‍ટ થઇને આહિ આવતા હોય છે તેમને ક્‍યા જવું તે રસ્‍તો મળતો નથી. એક વાર લક્ષણો ચાલું થઇ જાય તેવા દર્દીઓએ વહેલી તકે વાલ્‍વ રિપ્‍લેસ કરાવી લેવો જોઇએ. વર્ષે એકવાર કાર્ડિયાક ટેસ્‍ટ કરાવી લેવો જોઇએ. ગુજરાતમાં વાલ્‍વના દર્દીઓની સંખ્‍યા વધતી જાય છે. ડો. અમન પટેલે વર્ષ ૨૦૨૪ માં વાલ્‍વના ૨૬ કેસ કર્યા હતા અને વર્ષ ૨૦૨૫ માં વાલ્‍વના ૫૦ કેસ કર્યા હતા. આવા દર્દીઓને એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટીટ્‍યુટમાં ડો. અમન પટેલ દ્વારા નવું જીવન આપવામાં આવે છે.

ગુજરાતના પ્રથમ ટ્રાન્‍સ કેવલ ટાવરની સર્જરીમાં ડો. અમન પટેલ દ્વારા પલ્‍મોનરી સર્જરી દ્વારા અન્‍ય એક દર્દીને સ્‍વસ્‍થ કર્યા. બે જ દિવસમાં ડોક્‍ટર સાહેબે ગુજરાતના સૌ પ્રથમ બે યુનિક કેસ કરી ઇતિહાસ રચી દીધો. ડો. અમન કહે છે, એક ૪૨ વર્ષના યુવા દર્દીને વર્ષ ૨૦૦૨ માં જન્‍મથી હૃદયની બીમારી જેને ટોફ કહે છે તે હતી. જન્‍મથીજ હાર્ટ અસામાન્‍ય હતું. આ બીમારીની તેના પર એ સમયે સર્જરી થઇ હતી એ વખતે આ દર્દીની ઉંમર લગભગ ૧૮ થી ૨૦ વર્ષની હશે ત્‍યાર બાદ તેના ૨૦ વર્ષ ખુબ સારા ગયા કોઇજ તકલીફ નહોતી. આમના કિસ્‍સામાં જે ધમણી હૃદયના જમણા ભાગથી ફેફસામાં લોહી લઇ જાય છે એ ધમણીનો વાલ્‍વ ખરાબ થઇ ગયો હતો જેને પલ્‍મનરી આર્ટરીનો વાલ્‍વ કહેવાય છે. ટોફ સર્જરીના અમુક વર્ષો પછી પલ્‍મનરી વાલ્‍વના પ્રોબ્‍લેમ શરૂ થાય. જેમાં શરીરની સાઇઝ વધતી જાય અને વાલ્‍વ લીક થતો જાય છે તેની સાથે હૃદયના ધબકારા વધઘટની સમસ્‍યા પણ ઉદભવે છે. આ ૪૨ વર્ષના યુવા દર્દી છેલ્‍લા એક વર્ષમાં ચાર વખત બેભાન થયા. કામ કરતા, ચાલતા અચાનક બેભાન થવા લાગે અને થોડીવારમાં ફરી ભાનમાં આવી જાય. તેણે ૪ થી ૫ હોસ્‍પીટલમાં તપાસ કરાવી ત્‍યારે નિદાન એવું થયું કે તેના હૃદયના ધબકારા ધીમા પડે છે તેના લીધે બેભાન થાય છે. જેમાં પાંચ સેકન્‍ડ હાર્ટ બંધ થઇ જાય અને મગજમાં લોહી જાય નહીં જેથી બેભાન થઇ જાય. આ તકલીફ સાથે તેઓ ડો. અમન પટેલ પાસે આવ્‍યા. તેમણે જ્‍યારે આ દર્દીનો ઇકો જોયો ત્‍યારે ખ્‍યાલ આવ્‍યો કે પલ્‍મનરી વાલ્‍વમાં પણ ખુબ લીકેજ છે. આ દર્દીમાં વાલ્‍વ બદલવાની સાથે હૃદયના ધબકારાને નિયંત્રીત કરતું યંત્ર પેસમેકર પણ મુકવું જરૂરી હતું. એ દર્દી સમજીને ઓપરેશન માટે તૈયાર થઇ ગયા.

 ગત તા. ૨૬.૦૫.૨૦૨૬ ને મંગળવારે બપોરે ૧ વાગે દર્દી પર પ્રોસીજર શરૂ થઇ અને ૨.૩૦ વાગે સફળતા પૂર્વક પલ્‍મનરી વાલ્‍વ મુકાયો. આ વાલ્‍વને ‘ટીપીવીઆર' કહેવાય છે. આ ઇમપ્‍લાન્‍ટ પણ ગુજરાતમાં પ્રથમ વખત ડો. અમન પટેલ દ્વારા કરવામાં આવ્‍યું. દર્દીમાં વાલ્‍વ મુકતાજ તેનું હૃદય સ્‍વસ્‍થ થવા લાગ્‍યું એટલે તુરતજ તેનામાં પેસમેકર પણ મુકવામાં આવ્‍યું. એટલે બીજા દોઢ કલાકમાં એ સર્જરી પણ સફળ રીતે પાર પાડી. દર્દી એકદમ સ્‍વસ્‍થ અને ભાનમાં આવી ગયા હતા. એટલુંજ નહીં સર્જરીના બીજા દીવસે દર્દી આઇસીયુ માંથી ઉભા થઇ ચાલતા રૂમમાં ગયા અને શુક્રવારે તેમને રજા પણ આપવામાં આવી.

ડો. અમન પટેલ કહે છે, પલ્‍મનરી વાલ્‍વ બહુ મોટી સાઇઝના હોય એટલે તેમાં જે ડ્‍યુરેબીલીટી હોય તે એઓટિક વાલ્‍વ કરતા ઘણી વધારે હોય. જે ૨૦ વર્ષથી વધુ ચાલે છે. આ દર્દી ઉપર એકવાર સર્જરી થઇ ચૂકી હતી અને બીજીવાર સર્જરી કરીએ તો રીકવરી ધીમી થાય જ્‍યારે આમાં ખુબ ઝડપી સ્‍વસ્‍થ થાય. પલ્‍મનરી વાલ્‍વનો આ કેસ ગુજરાતનો બીજો હતો પણ ભારતીય વાલ્‍વ સાથે થયેલ પલ્‍મનરી વાલ્‍વનું ગુજરાતનું પ્રથમ ઓપરેશન હતું. આ બંને કેસ પર ફોકસ કરી ડો. અમન પટેલ અને તેમની ટીમે આ ઐતિહાસિક સર્જરી સુપેરે પાર પાડી.

 આ પ્રકારની તકલીફ વાળા દર્દીઓ પહેલા ૫૦ વર્ષથી વધુ જીવી નહોતા શકતા હવે અત્‍યાધુનિક ટ્રીટમેન્‍ટ દ્વારા આવા દર્દીઓ લાંબુ જીવી શકે છે. નોંધનીય છે કે, અમદાવાદની પ્રખ્‍યાત એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટીટ્‍યુટના દિર્ઘ દ્રષ્ટા પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલના નેજા હેઠળ કાર્યરત છે જેમાં તેમના પુત્ર ડો. અમન પટેલ અને તેમની કાર્ડિયોલોજી ટીમ આ પ્રકારની અત્‍યંત આધુનિક અને જટિલ પ્રક્રિયાઓ ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવા માટે જાણીતા છે જે હૃદયના ગંભીર દર્દીઓ માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થાય છે

 

હૃદયના પલ્‍મોનરી વાલ્‍વ એટલે શું?

હૃદયના પલ્‍મોનરી વાલ્‍વ (Pulmonary Valve) બદલવા માટે મુખ્‍યત્‍વે બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પલ્‍મોનરી વાલ્‍વનું મુખ્‍ય કામ હૃદયના જમણા ભાગમાંથી અશુદ્ધ લોહીને ફેફસાં સુધી પહોંચાડવાનું અને તેને પાછું આવતા રોકવાનું છે. દર્દીની ઉંમર, તેની તબીબી સ્‍થિતિ અને વાલ્‍વ કેટલો ખરાબ થયો છે તેના આધારે ડોક્‍ટર્સ યોગ્‍ય પદ્ધતિ પસંદ કરે છે. પર્ક્‍યુટેનિયસ પલ્‍મોનરી વાલ્‍વ ઈમ્‍પ્‍લાન્‍ટેશન (PPVI / TPVI) જેમાં આ એક આધુનિક અને ઓપન-હાર્ટ સર્જરી વિનાની પદ્ધતિ છે, જેને ટ્રાન્‍સકેથેટર પલ્‍મોનરી વાલ્‍વ રિપ્‍લેસમેન્‍ટ (TPVI) પણ કહેવામાં આવે છે. (જેમ એઓર્ટિક વાલ્‍વ માટે TAVR પદ્ધતિ છે, તેમ પલ્‍મોનરી વાલ્‍વ માટે આ પદ્ધતિ છે.) આમાં છાતી ચીરવામાં આવતી નથી. ડોક્‍ટર કાંડા અથવા સાથળની નસ (Femoral Vein) દ્વારા એક પાતળી લાંબી નળી (કેથેટર) હૃદય સુધી પહોંચાડે છે. આ નળીના છેડે એક નાનો સંકોચાયેલો કૃત્રિમ વાલ્‍વ અને બલૂન હોય છે. જ્‍યારે કેથેટર પલ્‍મોનરી વાલ્‍વની જગ્‍યાએ પહોંચે છે, ત્‍યારે બલૂનને ફુલાવીને નવા વાલ્‍વને ત્‍યાં બરાબર ગોઠવી દેવામાં આવે છે. નવો વાલ્‍વ ગોઠવાતાં જ તે તરત કામ કરવાનું શરૂ કરી દે છે. જે દર્દીઓની અગાઉ કોઈ જન્‍મજાત હૃદયની ખામી (જેમ કે Tetralogy of Fallot) માટે સર્જરી થઈ ચૂકી હોય અને તેમનો જૂનો વાલ્‍વ ફરી ખરાબ થયો હોય, તેમના માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ છે.

 

 

હૃદયના વાલ્‍વ બદલવાની ટ્રાન્‍સકેવલ ટાવર પદ્ધતિ શું છે?

હૃદયના વાલ્‍વ બદલવાની ટ્રાન્‍સકેવલ ટાવર પદ્ધતિ (Transcaval TAVR - Transcatheter Aortic Valve Replacement) એ ઓપન-હાર્ટ સર્જરી કર્યા વિના એઓર્ટિક વાલ્‍વ (Aortic Valve) બદલવાની એક અત્‍યંત આધુનિક અને સુરક્ષિત પદ્ધતિ છે. જ્‍યારે કોઈ દર્દીના હૃદયનો મુખ્‍ય વાલ્‍વ સાંકડો થઈ જાય (જેને એઓર્ટિક સ્‍ટેનોસિસ કહેવાય છે), ત્‍યારે તેને બદલવા માટે સામાન્‍ય રીતે ટાવર પદ્ધતિનો ઉપયોગ થાય છે. પરંતુ, ‘ટ્રાન્‍સકેવલ' એ આ પ્રક્રિયામાં હૃદય સુધી પહોંચવાનો એક ખાસ અને અનોખો રસ્‍તો છે.

પ્રશ્ન એ થાય કે ‘ટ્રાન્‍સકેવલ' (Transcaval) એટલે શું? સામાન્‍ય રીતે ટાવર પ્રક્રિયામાં, નવો વાલ્‍વ પગની મુખ્‍ય નસ (Femoral Artery) દ્વારા હૃદય સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ, જો દર્દીના પગની નસો ખૂબ સાંકડી હોય, બ્‍લોક હોય કે વાંકીચૂકી હોય તો ત્‍યાંથી વાલ્‍વ પસાર થઈ શકતો નથી. આવી સ્‍થિતિમાં ટ્રાન્‍સકેવલ પદ્ધતિ આશીર્વાદરૂપ બને છે. આ પદ્ધતિમાં ડોક્‍ટર પગની મુખ્‍ય મોટી નસ (Inferior Vena Cava- જે અશુદ્ધ લોહી લાવે છે) માં કેથેટર (એક પાતળી નળી) દાખલ કરે છે. ત્‍યારબાદ, પેટના ભાગમાં આ નસમાંથી એક નાનું પંચર (કાણું) કરીને, તેની બરાબર બાજુમાં આવેલી શરીરની મુખ્‍ય ધમની (Aorta - જે શુદ્ધ લોહી લઈ જાય છે) માં પ્રવેશ કરવામાં આવે છે. આ રસ્‍તેથી નવા વાલ્‍વને હૃદય સુધી પહોંચાડીને જૂના વાલ્‍વની જગ્‍યાએ ગોઠવી દેવામાં આવે છે.

આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? તો તેમાં ડોકટરો એક્‍સ-રે અને એડવાન્‍સ ઈમેજીંગની મદદથી અશુદ્ધ લોહીની નસમાંથી શુદ્ધ લોહીની મુખ્‍ય ધમનીમાં સેતુ (બ્રિજ) બનાવે છે. કેથેટરના છેડે એક સંકોચાયેલો કૃત્રિમ વાલ્‍વ હોય છે. તેને હૃદયના ખરાબ થઈ ગયેલા વાલ્‍વ સુધી પહોંચાડીને ફુલાવવામાં આવે છે, જેથી તે જૂના વાલ્‍વની જગ્‍યા લઈ લે છે. પ્રક્રિયા પૂરી થયા પછી બંને નસો વચ્‍ચે કરેલા પંચરને એક ખાસ મેડિકલ પ્‍લગ (નિટિનોલ પ્‍લગ) એટલે કે સ્‍ટેન્‍ટ વડે તાત્‍કાલિક સુરક્ષિત રીતે બંધ કરી દેવામાં આવે છે. આ પદ્ધતિના મુખ્‍ય ફાયદામાં જોઇએ તો આમાં છાતી ચીરવી પડતી નથી કે હૃદયને થોડીવાર માટે બંધ કરવું પડતું નથી. જે દર્દીઓની ઉંમર વધારે છે અથવા જેમને ઓપન-હાર્ટ સર્જરી કરાવવામાં મોટું જોખમ છે, તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત સર્જરીની સરખામણીમાં આમાં લોહી ખૂબ ઓછું વહે છે, દુખાવો ઓછો થાય છે અને દર્દી ૨ થી ૩ દિવસમાં હોસ્‍પિટલમાંથી ઘરે જઈ શકે છે. જેમની પગની નસો નબળી હોવાને કારણે સામાન્‍ય ટાવર શક્‍ય નથી હોતું, તેમના માટે આ એક ઉત્તમ અને જીવનરક્ષક વિકલ્‍પ છે. આ એક અત્‍યંત જાટિલ અને વિશેષજ્ઞતા માગી લેતી પ્રક્રિયા છે, જે માત્ર અનુભવી કાર્ડિયોલોજિસ્‍ટ્‍સ અને સજ્જ કેથલેબ ધરાવતી હોસ્‍પિટલોમાં જ કરવામાં આવે છે. જે અમદાવાદની એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટીટ્‍યુટમાં ડો.અમન પટેલ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર સફળતા પૂર્વક કરવામાં આવી.

 

 

ડો.અમન પટેલ સાહેબ અમારા માટે ખરેખર ભગવાનનું બીજુ રૂપ છે..!

અમદાવાદની એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટીટ્‍યુટના ડો. અમન પટેલ માસ્‍ટર ઓફ ઇન્‍ટરનલ મેડિસીન (એમ.ડી.), ડોક્‍ટરેટ ઇન મેડીસીન (કાર્ડિયોલોજી) (ડી.એમ), ડોક્‍ટરેટ ઓફ નેશનલ બોર્ડ ન્‍યુ દિલ્‍હી (કાર્ડિયોલોજી), કન્‍સલ્‍ટન્‍ટ સ્‍ટ્રક્‍ચરલ અને ઇન્‍ટરવેન્‍શનલ કાર્ડિયોલોજિસ્‍ટ, ટ્રાન્‍સકેથેટર હાર્ટ વાલ્‍વ થેરાપીના નિષ્‍ણાંત તબીબ છે. તેઓ દર્દીમાં હ્રદયના જટીલ વાલ્‍વના ઓપરેશન કરી તેમને નવજીવન આપે છે. તાજેતરમાં ગુજરાતના બે પ્રથમ યુનિક કેસ ટ્રાન્‍સ કેવલ ટાવર અને પલ્‍મનરી વાલ્‍વ સાથે પેસમેકર ના ઓપરેશનના જોખમી કેસ બેજ દિવસમાં તેમણે પાર પાડી દર્દીને સ્‍વસ્‍થ કર્યા. જેમાંના પહેલા ૬૦ વર્ષના દર્દી રાજકોટના હર્ષાબેન રાવલ છે જેમનામાં ડો.અમન પટેલે ટ્રાન્‍સ કેવલ ટાવર પધ્‍ધતિ દ્વારા વાલ્‍વ બદલાવી જોખમી સર્જરી કરી સ્‍વસ્‍થ કર્યા. હર્ષાબેન કહે છે, મને હવે ખુબ સારૂ છે. મને કલ્‍પના પણ નહોતી કે આટલા સમયમાં આટલું સારૂ થઇ શકશે. મેં ૨૦૧૭ માં ઓપન હાર્ટ સર્જરી કરાવી છે. આજે આઇસીયુમાંથી રૂમમાં જાતે ચાલીને આવી. ડો. અમન પટેલ સાહેબ મારા માટે ભગવાન થઇને ઉભા રહ્યા છે. આ તકે હર્ષાબેનના પતિ ઘનશ્‍યામભાઇ રાવલ ખુબ ભાવુક બની ગયા હતા અને ડોક્‍ટરનો હ્રદય પૂર્વક આભાર માન્‍યો હતો. જ્‍યારે હર્ષાબેનના દીકરા કમલેશભાઇ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 બીજા દર્દી ૪૨ વર્ષના કિરણભાઇ નટવલાલ પટેલ માંડલ તાલુકાના નાના ઉભડા ગામના વતની છે. જેમને જનમથી હૃદયની બીમારી હતી તેમણે પણ ૨૦ વર્ષ પહેલા ઓપરેશન કરાવ્‍યું હતું. તેમનામાં ડો. અમન પટેલ દ્વારા પલ્‍મોનરી વાલ્‍વ બદલવાની સાથે પેસમેકર પણ મુકવામાં આવ્‍યું. કિરણભાઇ કહે છે, અમે આ પહેલા ૩ થી ૪ તબીબોને દેખાડ્‍યું હતુ. અહિ આવ્‍યા ત્‍યારે ડો. તેજસભાઇ પટેલ સાહેબે ડો.અમન પટેલ સાહેબને મેળવ્‍યા અને આજે હું એકદમ સ્‍વસ્‍થતાનો અનુંભવ કરું છુ. સાહેબ મારા માટે ભગવાનના રાજદૂત છે. હું સેવા સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે કાર્યરત છુ સાથે ડિસ્‍ટ્રીક્‍ટ બેન્‍કમાં નોકરી કરું છુ. ખેતી કામ પણ છે. પરિવારમાં માતા-પિતા-ભાઇ અને પત્‍નિ તેમજ ૧૩ વર્ષનો એક દિકરો પણ છે. આજે વાલ્‍વના સફળ ઓપરેશનથી મારી સાથે પરિવાર પણ ખુશ છે.

(3:08 PM IST)