News of Wednesday, 1st July 2026
રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપનની હાઈલેવલ સમીક્ષા બેઠક : ચોમાસાની પૂર્વ તૈયારીઓ માટે પોલીસ ભવનથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ
વાયરલેસ કમ્યુનિકેશન સજ્જ રાખવા, જનરેટર માટે ડીઝલ-પેટ્રોલનો જથ્થો રાખવા અને વરસાદ પહેલાં ઇમારતોની અગાશી સાફ કરવા શ્રી મલિકના આદેશ : પૂર્વ આયોજનના ભાગરૂપે રાજ્યમાં SDRFની ૧૧ કંપનીઓના ૧,૦૩૬ જવાનો તહેનાત કરાયા

રાજકોટ: ચોમાસાના પ્રારંભને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની વ્યાપક સમીક્ષા કરવા માટે રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આર્મ યુનિટના અધિકારીઓ અને વિવિધ જિલ્લાના એસપી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન જોડાયા હતા અને ચોમાસા દરમિયાન ઊભી થનારી પરિસ્થિતિ સામે સજ્જ રહેવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વાયરલેસ કમ્યુનિકેશન અને પાવર બેકઅપ સજ્જ રાખવા કડક આદેશ:
બેઠકમાં રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ચોમાસા અને ભારે વરસાદ દરમિયાન ઘણીવાર મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જવાની મોટી શક્યતા રહે છે. આથી આવી કટોકટીની સ્થિતિમાં કમ્યુનિકેશન જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્કને સંપૂર્ણપણે સજ્જ રાખવા તેમજ વીજળી ગુલ થાય ત્યારે પાવર બેકઅપ મળી રહે તે હેતુથી જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો દરેક પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.
૧,૦૩૬ એસડીઆરએફ જવાનો તહેનાત, સંયુક્ત કામગીરી પર ભાર:
આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા માટે NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પૂર્વ આયોજનના ભાગરૂપે રાજ્યમાં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની કુલ ૧૧ કંપનીઓના ૧,૦૩૬ જવાનોને ૨૮ જૂનથી જ રાજ્યના વિવિધ સંવેદનશીલ અને નિયત લોકેશન્સ પર ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે. તમામ જિલ્લાના પોલીસ વડાઓને તેમના વિસ્તારમાં તહેનાત SDRF પ્લાટુન કમાન્ડર સાથે તાકીદે બેઠક યોજી, તેમના સાધનો, લોકેશન અને કમ્યુનિકેશન પ્લાનની સમીક્ષા કરવા તેમજ જરૂર પડે તો તેમને સ્થાનિક વાયરલેસ ફ્રીક્વન્સી પર લાવવા જણાવાયું છે. વરસાદની સ્થિતિમાં વાહનવ્યવહાર સુચારુ રીતે ચાલે તે માટે સ્મૂથ ટ્રાફિક મેનેજમેન્ટ અને ત્વરિત રેસ્ક્યુ કામગીરી માટે પોલીસ બળ તહેનાત રહેશે. પોલીસ જવાનોને પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરી અને રસ્તા પર નડતરરૂપ બનતા વૃક્ષો કે અવરોધો હટાવવા માટેની વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે.
'આપદા મિત્ર' અને યુવાનોની સેવાઓ લેવાશે:
આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત અને સ્થાનિક સ્તરે વ્યાપક બનાવવા માટે દરેક જિલ્લામાં તાલીમબદ્ધ 'આપદા મિત્ર' અને NSS તથા NCC માંથી પસંદ કરાયેલા 'યુવા આપદા મિત્ર'ની સેવાઓ લેવામાં આવશે. આ તમામ કમ્યુનિટી રિસોર્સિસની સંપૂર્ણ વિગતો જિલ્લાના કંટ્રોલ રૂમમાં રાખવામાં આવશે, જેથી કરીને કોઈપણ કટોકટીના સમયે તેમનો ત્વરિત અને અસરકારક ઉપયોગ કરી શકાય.
સરકારી ઇમારતોની અગાશીઓની સફાઈ માટે આદેશ:
આ ઉપરાંત, રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ અને સરકારી કચેરીઓના વડાઓને વરસાદ પહેલાં તમામ ઇમારતોની અગાશીની જાતે રૂબરૂ મુલાકાત લઈ સાફ-સફાઈ કરાવવા કડક આદેશ આપવામાં આવ્યો છે. અગાશીના આઉટલેટ્સમાં પાંદડા કે અન્ય કચરો ભરાઈ જવાથી પાણી ભરાવવાની અને તેના કારણે સ્લેબ નબળો પડવાની ગંભીર સમસ્યા સર્જાય છે. આ સફાઈ અંગેની કામગીરીનો વિગતવાર અહેવાલ વડી કચેરીએ મોકલી આપવા અને પ્રથમ વરસાદ પડ્યા બાદ ફરીથી આ મુજબનું ચેકિંગ કરવા માટે તમામ વડાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
