News of Sunday, 11th October 2026
હાઈકોર્ટે મહિલા ન્યાયિક અધિકારીની બરતરફીનો હુકમ યથાવત રાખ્યો, ગેરવર્તણૂકને ગંભીર મામલો ગણાવ્યો
વડોદરાથી ડીસા-ર૦૧રમાં બદલી થતા કવાટર મુદ્દે ફુટપાથ પર સુવાની તથા હાઇકોર્ટના કાર્યરત જજની બદલીની માંગ કરેલ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી આવાસ ન મળવાની બાબતે ન્યાયિક અધિકારી દ્વારા ફૂટપાથ પર સૂવાની ધમકી આપવી કે હાઈકોર્ટના કાર્યરત જજની બદલી કરવાની માગ કરવી ગંભીર ગેરવર્તણૂક ગણાઈ શકે છે. આ મામલે ન્યાયિક સેવામાંથી બરતરફ કરાયેલા મહિલા ન્યાયિક અધિકારીની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે અને બરતરફીનો નિર્ણય યથાવત રાખ્યો છે.
કેસની વિગતો મુજબ, 3 ઑક્ટોબર, 2012ના રોજ સિનિયર સિવિલ જજ આશા મહીડાજી દવેની વડોદરાથી ડીસા ખાતે બદલી કરવામાં આવી હતી. બદલી બાદ તેમણે ડીસાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને સરકારી ક્વાર્ટર ફાળવવા માટે લેખિત અરજી કરી હતી. જોકે, તે સમયે ક્વાર્ટર ઉપલબ્ધ ન હોવાથી રજિસ્ટ્રી દ્વારા આવાસની વ્યવસ્થા કરી શકાય તેમ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે જ તેમને પોતાના ખર્ચે રહેવાની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. આ નિર્ણયથી નારાજ થયેલા મહિલા ન્યાયિક અધિકારીએ પાલનપુરના ડિસ્ટ્રિક્ટ જજને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે પાલનપુરમાં ફૂટપાથ પર સૂવાની પરવાનગી માગી હતી. જ્યાં સુધી રહેવા યોગ્ય મકાનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પાલનપુરથી ડીસા આવવા-જવા માટે મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થું (TA-DA) આપવાની પણ માગ કરી હતી.
પાલનપુરના ડિસ્ટ્રિક્ટ જજે આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત હાઈકોર્ટને કરી હતી. (Gujarat High Court Case) ત્યારબાદ મામલે તપાસની પ્રક્રિયા શરૂ થઈ હતી. 24 ફેબ્રુઆરી, 2013ના રોજ મહિલા ન્યાયિક અધિકારીને ચાર્જશીટ આપવામાં આવી હતી. તેમની સામે શિસ્તભંગના વિવિધ આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમાં વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ સામે અયોગ્ય વર્તન કરવા, ડીસા કોર્ટ સંકુલની સામે આખી રાત કારમાં સૂઈ રહેવાની ધમકી આપવા અને અન્ય વાંધાજનક વર્તણૂકના આક્ષેપોનો સમાવેશ થતો હતો.
વિભાગીય તપાસ ચાલુ હતી તે દરમિયાન 1 સપ્ટેમ્બર, 2013ના રોજ મહિલા ન્યાયિક અધિકારીએ હાઈકોર્ટની રજિસ્ટ્રી મારફતે ચીફ જસ્ટિસ અને અન્ય ન્યાયાધીશોને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરવાની સાથે હાઈકોર્ટના કાર્યરત જજની બદલી કરવાની માગણી કરી હતી. આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણના આધારે ફૂલ કોર્ટના ઠરાવથી 22 ડિસેમ્બર, 2013ના રોજ તેમને ન્યાયિક સેવામાંથી બરતરફ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે બરતરફીના નિર્ણયને પડકારતી રિટ અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટે મહિલા ન્યાયિક અધિકારીના વર્તનને ગંભીર અને શિસ્તવિરોધી ગણાવ્યું હતું. ચુકાદામાં જણાવાયું કે સરકારી ક્વાર્ટર ઉપલબ્ધ ન હોય તો ન્યાયિક અધિકારીને ખાનગી મકાનમાં રહેવા માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) આપવામાં આવે છે. તેથી ક્વાર્ટર ન મળવાની બાબતે ફૂટપાથ પર રાત વિતાવવાની પરવાનગી માગવી અને કાર્યરત હાઈકોર્ટ જજની બદલીની માગ કરવી અયોગ્ય વર્તન છે. આ ઉપરાંત, ચીફ જસ્ટિસ સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો અને તપાસની કાર્યવાહીમાં ભાગ ન લેવાનો મુદ્દો પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. તમામ સંજોગો અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે બરતરફીના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને મહિલા ન્યાયિક અધિકારીની અરજી ફગાવી દીધી હતી. આ ચુકાદામાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ન્યાયિક સેવામાં ફરજ બજાવતા અધિકારીઓ પાસેથી શિસ્તબદ્ધ અને જવાબદારીભર્યા વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
