<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

અમદાવાદમાં આવતીકાલે પાણીનો ભારે પોકાર: નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં કોતરપુર વોટર વર્ક્સ ખોરવાયું, ૭૦ ટકા વિસ્તારોમાં પાણી કાપની ભીતિ

મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના લાખો રહીશો પ્રભાવિત થશે: મનપા દ્વારા નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને કરકસરથી વાપરવા અપીલ

અમદાવાદ : અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે રવિવારે પાણી પુરવઠો ભારે ખોરવાઈ જવાની કે ખૂબ જ ઓછા પ્રેશરથી આવવાની શક્યતા ઊભી થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મુખ્ય સ્ત્રોત એવા કોતરપુર વોટર વર્ક્સને પાણી પૂરું પાડતી નર્મદા મુખ્ય નહેરમાં હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં અચાનક મોટો ઘટાડો નોંધાતાં રૉ-વોટરની ભારે અછત સર્જાઈ છે. શહેરના આશરે ૭૦ ટકા ભાગને પૂરું પાડતાં આ મુખ્ય વોટર પલાન્ટમાં પૂરતું પાણી ન મળવાને કારણે તંત્ર સામે મોટું સંકટ ઊભું થયું છે અને પાંચ મહત્વના ઝોનમાં પાણી વિતરણ પર માઠી અસર પહોંચશે.

કોતરપુર ખાતેથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે ઉપલબ્ધ જળરાશિના જથ્થા મુજબ પાણી શુદ્ધ કરીને વિતરિત કરવાનો નિર્ણય લેવાયો છે. જેના પરિણામે શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોન હેઠળ આવતા તમામ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનો પરથી પાણીનો જથ્થો ઓછો છોડવામાં આવશે. રવિવારનો રજાનો દિવસ હોવાથી અનેક વિસ્તારોમાં રહીશોને દૈનિક વપરાશ માટે પાણી મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ પાણી કાપથી શહેરના મુખ્ય વિસ્તારો સીધી રીતે પ્રભાવિત થશે. પશ્ચિમ અને મધ્ય ઝોનમાં ચાંદખેડા, સાબરમતી, રાણીપ, મોટેરા, વાસણા, નવા વાડજ, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ, શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, જમાલપુર અને ખાડિયા જેવા વિસ્તારોમાં પાણી કાપ રહેશે. જ્યારે પૂર્વ અને ઉત્તર ઝોનમાં ગોમતીપુર, સૈજપુર, કુબેરનગર, સરદારનગર, એરપોર્ટ, ઓઢવ, રામોલ, હાથીજણ, નરોડા, નિકોલ, વિરાટનગર, બાપુનગર અને ઠક્કરબાપાનગર વિસ્તારોમાં સપ્લાય ખોરવાશે.

આ ઉપરાંત દક્ષિણ ઝોન હેઠળ આવતા મોટા વસ્તી ધરાવતા વિસ્તારો જેવા કે લાંભા, મણિનગર, ઈસનપુર, કાંકરિયા, વટવા અને નારોલમાં પણ પાણીનો પુરવઠો ઓછો આપવાની નોબત આવી છે. નર્મદા કેનાલમાં પાણીનું સ્તર પુનઃ સામાન્ય ન થાય ત્યાં સુધી વોટર વર્ક્સ પૂરી ક્ષમતાથી કાર્યરત થઈ શકે તેમ નથી, જેના કારણે શહેરના લાખો નાગરિકો માટે આગામી સમય મુશ્કેલીભર્યો બની શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા આ પરિસ્થિતિ અંગે નાગરિકોને આગોતરી ચેતવણી આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા શહેરના તમામ રહીશોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આજે જ પોતાના ઘરોમાં જરૂરી પાણીનો પૂરતો જથ્થો સંગ્રહ કરી લે. આ સાથે જ પાણીનો સહેજ પણ બગાડ કર્યા વિના અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વોટર વર્ક્સના એન્જિનિયરો અને અધિકારીઓની ટીમ નર્મદા કેનાલના હેડ રેગ્યુલેટર ખાતે પાણીનું સ્તર સામાન્ય લાવવા માટે સિંચાઈ વિભાગ સાથે સતત સંપર્કમાં છે. કેનાલમાં રો-વોટરની આવક પૂરતા પ્રમાણમાં શરૂ થતાં જ શુદ્ધિકરણની પ્રક્રિયા ઝડપી બનાવીને શહેરભરમાં નિયમિત પાણી પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે. ત્યાં સુધી નાગરિકોને સહયોગ આપવા તંત્ર તરફથી વિનંતી કરવામાં આવી છે.

(6:48 PM IST)