તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
અમદાવાદના રામોલ વિસ્તારમાં સુરતી સોસાયટીમાં બે જૂથો વચ્ચે ભારે ધીંગાણું: 17 શખ્સો સામે બે અલગ-અલગ ફરિયાદ
જૂના વિવાદને લઈને બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષોએ લાકડી, પાઈપ અને અન્ય સાધનો વડે એકબીજા પર હુમલો કર્યો

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી સુરતી સોસાયટીમાં બે જૂથો વચ્ચે ભારે ધીંગાણું સર્જાતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો. રામોલની આ ઘટનામાં અગાઉના ઝઘડાની અદાવતમાં ફરીથી બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો.
મળતી માહિતી મુજબ બંને જૂથો વચ્ચે થયેલા જૂના વિવાદને લઈને બોલાચાલી શરૂ થઈ હતી, જે પછી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. બંને પક્ષોએ લાકડી, પાઈપ અને અન્ય સાધનો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસના હસ્તક્ષેપ બાદ બંને પક્ષોને અલગ કરવામાં આવ્યા હતા અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગંભીર નોંધ લઈ કુલ 17 શખ્સો સામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે. આરોપીઓ સામે રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ઓળખ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
