<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સુરત જિલ્લામાં ભારે વરસાદ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર

રસ્તાઓ બંધ થવાની કે ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોય, ત્યાં સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવીને શાળા સંચાલકોએ તાત્કાલિક ધોરણે રજા જાહેર કરવા માટે અધિકૃત કરાયા

સુરત :હવામાન વિભાગની અતિભારે વરસાદની ચેતવણીને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર તેમજ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

 

આ આદેશ અંતર્ગત જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં રસ્તાઓ બંધ થવાની કે ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોય, ત્યાં સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવીને શાળા સંચાલકોએ તાત્કાલિક ધોરણે રજા જાહેર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

 

હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત રાખવામાં આવી છે, જેને લઈને તંત્ર દ્વારા વાલીઓને પણ વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો વાતાવરણ વધારે ખરાબ જણાય અથવા રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ હોય, તો બાળકોને શાળાએ ન મોકલવા માટે સત્તાવાર વિનંતી કરાઈ છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સતત એલર્ટ રહેવા અને વહીવટી તંત્રના સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કરાયો છે.

(12:19 PM IST)