<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના અમૂક જીલ્લામાં ભારે વરસાદ કોઇપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની ૩૬ ટીમો

રાજયના ૧૧ ડેમ હાઇએલર્ટ, ૪ ડેમ એલર્ટ અને ૭ ડેમ માટે વોર્નિંગ અપાઇ....

રાજકોટઃ તા.૭,સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્‍યમાં ૩૪ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્‍યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્‍યમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૮ ઇંચથી વધુ, પારડી અને ઉમરગામ તાલુકામાં ૬-૬ ઇંચ કરતા વધુ, સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૬ ઈંચથી વધુ જ્‍યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આજે, તા. ૦૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્‍યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૦.૪૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્‍ટ્ર રીઝીયનમાં સૌથી વધુ ૨૬.૭૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૪.૯૮ ટકા, ઉત્તર-મધ્‍ય ગુજરાતમાં ૧૫.૨૦, ઉત્તર ગુજરાતમાં ૧૧.૯૯ ટકા અને સૌથી ઓછો કચ્‍છમાં ૧.૯૨ ટકા સરેરાશ વરસાદ વરસ્‍યો છે.

SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્‍યમાં આવેલ નર્મદા ડેમમાં હાલ ૨.૧૭ લાખ mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૫ ટકા જેટલો છે. આ ઉપરાંત રાજ્‍યના અન્‍ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૪૦.૦૧ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્‍યમાં વરસાદના પગલે ૧૧ ડેમ હાઇ એલર્ટ, ૦૪ ડેમ એલર્ટ અને ૦૭ ડેમ માટે ર્વોનિંગ આપવામાં આવી છે.

રાજ્‍યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૬થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૧,૫૨૮ નાગરિકોનું સુરક્ષિત સ્‍થળે સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે, તેમજ ૧,૩૪ નાગરિકોને રેસ્‍કયૂ કરવામાં આવ્‍યા છે.

વધુમાં, કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ ૩૬ ટીમો જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે, તેમ સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે

(3:36 PM IST)