<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

સાણંદ-બાવળામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી : બે મંત્રી અને બે વરિષ્ઠ અધિકારીઓને મોરચે ઉતારાયા

પાણીના તાત્કાલિક નિકાલ માટે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા સહિત ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ જવાબદારી : યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા વિસ્તારમાં ભારે વરસાદના પગલે સર્જાયેલી જળબંબાકારની ગંભીર સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

 

 રાહત અને પાણીના નિકાલ માટે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં:

સાણંદ અને બાવળાના રહેણાક, ઔદ્યોગિક તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે બે મંત્રી અને બે વરિષ્ઠ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે. આ કામગીરી માટે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન તથા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સ્થળ પર કામગીરી માટે રવાના કરવામાં આવ્યા છે.

 

 યુદ્ધના ધોરણે કામગીરી અને પરિસ્થિતિ પર સીધી નજર:

જવાબદારી સોંપાયા બાદ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ સાણંદ-બાવળા વિસ્તારમાં પહોંચી સ્થાનિક વહીવટી તંત્ર સાથે પરિસ્થિતિની સમીક્ષા શરૂ કરી હતી. પમ્પિંગ મશીનો અને અન્ય જરૂરી સાધનોની મદદથી યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમગ્ર રાહત અને બચાવ કામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોનું જનજીવન વહેલી તકે પૂર્વવત થઈ શકે.

(9:00 PM IST)