<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ખાબકશે : અંબાલાલ પટેલની આગાહી

ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વરસાદથી વંચિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા:30 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ આવશે

ગુજરાતમાં ચોમાસું મોડું આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જી હતી. જે બાદ વરસાદે એકંદરે વિરામ લઈ લીધો હતો. જો કે અષાઢ મહિનાની શરૂઆતથી મેઘરાજા આળસ ખંખેરીને બેઠા થતાં ધીમે-ધીમે ચોમાસું જોર પકડી રહ્યું છે.

છેલ્લા ચારેક દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘો મૂશળધાર વરસી રહ્યો છે, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જેના પગલે ખેડૂતો વાવણીલાયક વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરી છે.

આ અંગે વિગતો આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 48 કલાકમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.

આ ઉપરાંત બંગાળના ઉપસાગરનું વહન ગુજરાત તરફ આવી રહ્યુ છે. આ મજબૂત સિસ્ટમના કારણે 24 થી 27 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યારથી વરસાદથી વંચિત રહેલા ગુજરાતના ભાગો પર મેઘરાજાનું હેત વરસશે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

(12:15 AM IST)