<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો: વડાલી અને ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

સમગ્ર પંથકમાં નદી-નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક શરૂ થતાં ચોમાસાનો અસલી માહોલ જામ્યો

સાબરકાંઠા જિલ્લાના વડાલી સહિત ખેડબ્રહ્મા અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જે બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જે બિલકુલ સાચી સાબિત થઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી આ પંથકમાં ભેજવાળું હવામાન અને અસહ્ય ઉકળાટને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ આજના આ પ્રચંડ વરસાદી ઝાપટાંએ સમગ્ર વાતાવરણને આહલાદક અને ઠંડકભર્યું બનાવી દીધું છે.

 ચાલુ વર્ષે ચોમાસુ પાકની વાવણી કર્યા બાદ ખેડૂતો લાંબા સમયથી આકાશ તરફ મીટ માંડીને વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. પાકના યોગ્ય વિકાસ માટે આ સમયે કુદરતી પાણીની ખૂબ જ સખત જરૂરિયાત હતી. આ ધોધમાર વરસાદને કારણે સુકાતા પાકને નવું જીવન મળ્યું છે, જેથી ધરતીપુત્રોનો હરખ માતો નથી અને તેઓ આગામી દિવસોમાં બમ્પર પાકની આશા સેવી રહ્યા છે.

  ચોમાસાના આ પ્રથમ ધમાકેદાર વરસાદનો સૌથી વધુ આનંદ નાના ભૂલકાઓમાં જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં શેરીઓ અને આંગણાઓમાં વરસાદી પાણી વહેતા થતાં જ બાળકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. નાના-મોટા ભૂલકાઓ વરસાદના પાણીમાં ન્હાવાની અને છબછબિયાં કરવાની મજા માણતા નજરે પડ્યા હતા. સમગ્ર પંથકમાં નદી-નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક શરૂ થતાં ચોમાસાનો અસલી માહોલ જામ્યો છે.

(7:31 PM IST)