<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, ડાંગથી નવસારી સુધી પૂર જેવી સ્થિતિ: અનેક જિલ્લાઓમાં એલર્ટ

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા

ગુજરાતમાં ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે પણ નવસારી, વલસાડ અને દમણમાં વરસાદનું જોર યથાવત રહેશે, જ્યારે દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ રાજ્ય પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય હોવાથી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે. દરિયામાં ખરાબ હવામાન અને તેજ પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના બંદરો પર LCS-3 (લોકલ કોશનરી સિગ્નલ) જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો નહીં ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો હોવાથી આ વરસાદ ખેતી માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નદીઓમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને નદી, ધોધ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે.

(9:40 PM IST)