<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ધોધમાર વરસાદથી દેડિયાપાડાના સાંકળી ગામ નજીક પુલને મોટું નુકસાન, ધરાશાયી થવાનું જોખમ

સાંકળી ગામ નજીક પૂરનું પાણી ફરી વળતાં પુલની બાજુમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન પણ તૂટી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ સાંકળી ગામ નજીક પુલને મોટું નુકસાન થયું છે.
   દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં 25 જૂનના રોજ પડેલા ધોધમાર વરસાદના કારણે સાંકળી ગામ નજીક આવેલી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત બન્યો છે. પૂરનું પાણી કલાકો સુધી પુલ પરથી વહેતું રહેતાં પુલના બે-ત્રણ પાયા એક તરફ વળી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. હાલ પુલ કોઈપણ સમયે ધરાશાયી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર ચાલુ રહેશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી છે.
મોઝદા–તરાવ નદીના પુલથી ડુમખલ સુધીનો અંદાજે 21 કિલોમીટરનો ડામર માર્ગ બનાવવામાં આવ્યો છે. જોકે, સ્થાનિકોના આક્ષેપ મુજબ આ માર્ગ પર જરૂરી સંખ્યામાં નાળાં અને નવા પુલો બનાવવામાં આવ્યા નથી. જેના કારણે દર ચોમાસે પૂર્વ પટ્ટીના અંતરીયાળ ગામોના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ માર્ગ પર નવા પુલો અને નાળાંનું તાત્કાલિક નિર્માણ કરવાની માંગ ઉઠી છે.
સાંકળી ગામ નજીક પૂરનું પાણી ફરી વળતાં પુલની બાજુમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ છે, જેના કારણે પાણી પુરવઠાને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોએ અહીં વધુ મજબૂત અને મોટો પુલ બનાવવાની પણ માંગ કરી છે.
હાલમાં તો પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારના લોકોને અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

(11:56 PM IST)