<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રાજ્યમાં આગામી ચાર દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

આગામી 2-3 દિવસમાં રાજ્યભરમાં વરસાદ ચાલુ રહેશે:દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતા

 અમદાવાદ ;રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા વેધર બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત પ્રદેશમાં ચોમાસું વ્યાપક રીતે સક્રિય રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નવસારી, તાપી, દમણ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટણ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં પણ મેઘમહેર થઈ છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, ગુજરાતના બાકીના તમામ વિસ્તારો અને રાજસ્થાન તથા હરિયાણામાં આગળ વધી ચૂક્યું છે. હાલમાં પૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો પર એક 'વેલ-માર્ક્ડ લો પ્રેશર' સિસ્ટમ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં ધીમે-ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને નબળી પડી શકે છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય કેરળ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓફ-શોર ટ્રફ પણ સક્રિય છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

7 જુલાઇથી અને 8 જુલાઇની સવાર (8:30 સુધી)

  • દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

  • અરવલ્લી, ખેડા, નર્મદા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

  • સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે.

  • આ સાથે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની ચેતવણી છે.

8 જુલાઇથી અને 9 જુલાઇની સવાર (8:30 સુધી)
ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
દાહોદ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ દિવસે પણ સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

9 અને 10 જુલાઇ
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

10 અને 11 જુલાઇ
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના થોડા વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે. ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.

(9:23 PM IST)