<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાનું રૌદ્ર સ્‍વરૂપ, શહેર પાણી-પાણી!

શાળા-કોલેજ અને ઓફિસના સમયે વરસાદ તૂટી પડતાં જનજીવન ખોરવાયું: રસ્‍તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન, અનેક સ્‍થળે ટ્રાફિકની સ્‍થિતિ વણસી ધોધમાર વરસાદથી ૪ અંડરપાસ બંધ : વાસણા બેરેજના ૧૪ ગેટ ખોલાયા, નીચાણવાળા વિસ્‍તારોમાં તંત્ર એલર્ટ

અમદાવાદઃ શહેરમાં આજે વહેલી સવારથી જ મેદ્યરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં સમગ્ર શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. સવારના સમયે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતાં અનેક વિસ્‍તારોમાં રસ્‍તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી. ખાસ કરીને શાળા-કોલેજ અને નોકરિયાતોના અવરજવરના સમયે વરસાદ પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો હતો.

વહેલી સવારથી સતત વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક મુખ્‍ય માર્ગો અને નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્‍તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને વાહન હંકારવામાં મુશ્‍કેલી પડી હતી. અનેક સ્‍થળોએ વાહનો ધીમી ગતિએ પસાર થતાં ટ્રાફિકની સમસ્‍યા પણ સર્જાઈ હતી. વરસાદ વચ્‍ચે પોતાના ગંતવ્‍યસ્‍થળે પહોંચવા નીકળેલા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પણ કેટલાક સ્‍થળોએ અટવાઈ ગયા હતા.

ભારે વરસાદની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને શહેરના ચાર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અંડરપાસમાં પાણી ભરાવાની શક્‍યતાને પગલે સલામતીના ભાગરૂપે વાહનવ્‍યવહાર બંધ કરી દેવામાં આવ્‍યો હતો. જેના કારણે વૈકલ્‍પિક માર્ગો પર વાહનોનો ભાર વધ્‍યો હતો.

બીજી તરફ ભારે વરસાદના પગલે વાસણા બેરેજમાં પાણીની આવક વધતાં ૧૪ ગેટ ખોલવામાં આવ્‍યા હતા. બેરેજમાંથી પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્‍તારોમાં તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. નદીકાંઠા અને આસપાસના વિસ્‍તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદમાં સવારથી જ આકાશ કાળા વાદળોથી દ્યેરાયેલું જોવા મળ્‍યું હતું અને ધોધમાર વરસાદના કારણે રસ્‍તાઓ પર જાણે નદી વહેતી હોય તેવો માહોલ સર્જાયો હતો. વરસાદના કારણે શહેરના સામાન્‍ય જનજીવનને અસર પહોંચતા તંત્ર પણ દોડતું થયું હતું. રસ્‍તાઓ પર ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ચોમાસાની સીઝનમાં અમદાવાદમાં ભારે વરસાદ પડે ત્‍યારે અંડરપાસ અને નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવાની સમસ્‍યા સામે આવતી હોય છે. આજે પણ ભારે વરસાદે આ સમસ્‍યાને ફરી ઉજાગર કરી હતી. સવારના સમયનો વરસાદ ખાસ કરીને નોકરી-ધંધા અને અભ્‍યાસ માટે બહાર નીકળેલા લોકો માટે મુશ્‍કેલીરૂપ બન્‍યો હતો.

(11:40 AM IST)