તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 2nd July 2026
પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
બોપલ, ગોતા અને સોલા જેવા વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ :પ્રહલાદનગર અને એસ.જી. હાઈવે વિસ્તારમાં પણ મૂશળધાર વરસાદ ખાબક્યો

અમદાવાદ :લાંબા સમયના વિરામ અને અસહ્ય અકળામણ બાદ અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર જમાવાટ કરી છે. આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઠંડા પવનોના સૂસવાટા સાથે શરૂ થયેલા આ વરસાદે સમગ્ર શહેરના વાતાવરણને પલટી નાખ્યું હતું, અને લોકોને ગરમીમાંથી મોટી રાહત અપાવી હતી.
વરસાદની સૌથી વધુ અસર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહી છે. બોપલ, ગોતા અને સોલા જેવા વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આ ઉપરાંત, વીઆઈપી ગણાતા પ્રહલાદનગર અને એસ.જી. હાઈવે વિસ્તારમાં પણ મૂશળધાર વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારો અને રોડ-રસ્તાઓ પર પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે ઓફિસે જતા લોકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદીઓ અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત હતા. પરંતુ આજે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે શરૂ થયેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાં ભેજનું પ્રમાણ વધતા અને તાપમાનનો પારો ગગડતા વાતાવરણ એકદમ આહલાદક અને રોમેન્ટિક બની ગયું છે. લોકો આ બદલાયેલી ઋતુનો આનંદ માણી રહ્યા છે.
અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પણ વરસાદી માહોલની મજા માણતા પલળી ગયા હતા. ટુ-વ્હીલર ચાલકોએ બ્રિજ નીચે કે દુકાનોના ઓટલા પર આશરો લેવો પડ્યો હતો. ઓફિસ જવાના પીક-અવર્સમાં જ વરસાદ તૂટી પડતાં એસ.જી. હાઈવે જેવા વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ હતી. જોકે, મુશ્કેલીઓ છતાં વરસાદના આગમનથી લોકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
