<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

રાતે 8થી 10માં રાજ્યના 14 તાલુકામાં ધોધમાર વરસાદ: લોધીકામાં બે ઇંચ વરસાદ ખાબક્યો

શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે પડેલા આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા .

સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધીના માત્ર 2 કલાકના સમયગાળામાં જ 14 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાત્રિના સમયે અચાનક શરૂ થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

 

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, રાત્રે 8થી 10 વાગ્યા વચ્ચે સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં નોંધાયો છે, જ્યાં માત્ર 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. લોધિકા ઉપરાંત રાજકોટના જેતપુરમાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે પડેલા આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

 

બીજી તરફ, કચ્છ અને જામનગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. જામનગરના લાલપુરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છના વડામથક ભુજમાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે.

 

અચાનક આવેલા આ વરસાદથી ખેડૂતોમાં ચિંતા અને ખુશી બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર પર સર્જાયેલી સ્થાનિક સિસ્ટમના કારણે પવન સાથે વરસાદી વાદળો ઘેરાયા હતા. આગામી કલાકો દરમિયાન પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કાંઠાળ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

(11:46 PM IST)