તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ગુજરાત પરથી ગરમીનું સંકટ ટળશે! અંબાલાલ પટેલની મોટી આગાહી: 6 મેથી મેઘરાજાની ‘પ્રી-મોન્સૂન’ એન્ટ્રી, વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનનો પારો ગગડશે; 11 થી 20 મે દરમિયાન ફૂંકાશે આકરા વંટોળ, રાજકોટમાં 43 ડિગ્રીની ગરમી બાદ હવે રાહતના સંકેત

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અગનગોળા વરસાવતી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલના આકરા તપારા બાદ હવે મે મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં મોટો પલટો આવશે. પશ્ચિમી વિક્ષોપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે અને ગરમીનું જોર ઘટશે.
ક્યારે પડશે વરસાદ?
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 6 મે થી 12 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. માત્ર વરસાદ જ નહીં, પણ 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં તેજ ગતિએ પવન ફૂંકાવા અને ધૂળની ડમરીઓ સાથે આંધી-વંટોળ આવવાની પણ શક્યતા છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન ગગડશે
આગાહી મુજબ, ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ગરમીથી રાહત મળશે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ પારો 40 ડિગ્રીની આસપાસ સ્થિર થશે. વીતેલા 24 કલાકમાં રાજકોટ 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં પણ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. હવે પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે લોકોને આ બફારા અને લૂ માંથી મુક્તિ મળશે.
ખેડૂતો માટે પણ મહત્વની સૂચના
મે મહિનામાં આવનારા આંધી અને વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પણ સતર્ક રહેવા જણાવાયું છે. ખાસ કરીને ખુલ્લામાં રાખેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની સલાહ અપાઈ છે. જોકે, આ પ્રી-મોન્સૂન વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે, જે ઉનાળાના અંતિમ દિવસોમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
