News of Tuesday, 29th September 2026
ગુજરાત રાજકારણમાં ગરમાવો : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ૯ વર્ષ પછી ફરી કોંગ્રેસમાં જોડાય શકે : હાઈકમાન્ડ લેશે આખરી નિર્ણય
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત મોરચો માંડવા પ્રદેશ કોંગ્રેસની કવાયત : વિપક્ષી બળોને એકીકૃત કરી પરિવર્તન લાવવા અમિત ચાવડાનો દાવો

અમદાવાદ: આગામી ૨૦૨૭ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકીય ક્ષેત્રે એક વિશાળ ફેરબદલના સંકેતો મળી રહ્યા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ પક્ષમાં પુનઃ વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી અને શંકરસિંહ વાઘેલા બંને તરફથી આ બેઠકો અને ચર્ચાઓને સમર્થન આપવામાં આવ્યું છે. હવે માત્ર કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી આખરી લીલીઝંડી મળવાની જ બાકી છે. પ્રદેશ કોંગ્રેસના આગેવાન અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી છે કે પૂર્વ મુખ્યમંત્રી સહિત અન્ય અનેક રાજકીય ચહેરાઓને પક્ષમાં આવકારવા માટે કેન્દ્રીય નેતાગીરી સાથે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં શંકરસિંહ વાઘેલાએ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે કોંગ્રેસ સાથેનો સંબંધ તોડ્યો હતો અને હવે ૯ વર્ષના લાંબા અંતરાલ બાદ તેઓ ફરી સ્વગૃહ વાપસી કરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાનો રાજકીય ઈતિહાસ અનેક રાજકીય વળાંકોથી ભરેલો રહ્યો છે. તેમણે ૧૯૯૫માં ભાજપ સામે બળવો પોકારી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની સ્થાપના કરી હતી અને કોંગ્રેસના બાહ્ય સમર્થનથી સરકાર બનાવી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. ત્યારબાદ ૧૯૯૮માં તેઓ વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. ૨૦૧૭માં કોંગ્રેસમાંથી અલગ થયા બાદ તેમણે ‘જનવિકલ્પ મોરચો’ ગઠિત કર્યો હતો, જેમાં તેમને ધારી સફળતા મળી નહોતી. ત્યારપછી જાન્યુઆરી ૨૦૧૯માં એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા બાદ ત્યાંથી રાજીનામું આપ્યું હતું અને તાજેતરમાં નવેમ્બર ૨૦૨૪માં ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ની ઘોષણા કરી હતી.
પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્તમાન શાસનમાં પેપર લીક, ગેરરીતિઓ અને વહીવટી નિષ્ફળતાઓને કારણે જનતા ત્રાહિમામ છે. શંકરસિંહ વાઘેલા સતત નરેન્દ્રભાઈ મોદી, ભાજપ સરકારની નકારાત્મક નીતિઓ અને આરએસએસની વિચારસરણી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભાજપના આંતરિક અસંતોષ અને તાનાશાહી વલણ સામે વિપક્ષી તાકાતોને એકીકૃત કરી ૨૦૨૭માં સત્તા પરિવર્તન લાવવાના લક્ષ્ય સાથે આ રણનીતિ ઘડવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં અન્ય પક્ષોના અગ્રણી નેતાઓ પણ કોંગ્રેસના મંચ પર જોડાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
