<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

વડોદરામાં કાળજું કંપાવી દેતી કરૂણાંતિકા: અંબે સ્કૂલની ધોરણ-૧૦ ની ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ ફ્લેટના પાંચમા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું!

શાળાએથી ઘરે આવ્યાના થોડા જ સમયમાં માસુમ બાળકીએ ભર્યું ખૌફનાક પગલું: આપઘાત પાછળનું સાચું કારણ અકબંધ રહેતા મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા : વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માંજલપુર સ્થિત પ્રખ્યાત અંબે સ્કૂલમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય માસુમ વિદ્યાર્થિનીએ પોતાના રહેણાંક મકાનના પાંચમા માળની છત પરથી નીચે કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, મકરપુરા વિસ્તારમાં આવેલી 'રાધે રેસિડેન્સી'માં રહેતી આ વિદ્યાર્થિની બપોરે નિત્યક્રમ મુજબ શાળાએથી છૂટીને પોતાના ઘરે પરત ફરી હતી. ઘરે આવ્યાના ગણતરીના સમયમાં જ તે અચાનક બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ટેરેસ પર ગઈ હતી અને ત્યાંથી નીચે ઝંપલાવ્યું હતું. પાંચમા માળેથી ધડાકાભેર નીચે પટકાવાને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. અવાજ સાંભળીને દોડી આવેલા પરિવારજનો પોતાની લાડકવાયી દીકરીની લોહીલુહાણ હાલત જોઈને ભાંગી પડ્યા હતા.

અભ્યાસનું ભારણ કે અંગત કારણ? તપાસ તેજ

ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. નાની વયની વિદ્યાર્થિનીએ આટલું આકરું પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે. શું તેની પાછળ પરીક્ષા કે અભ્યાસનું તણાવ હતું કે અન્ય કોઈ અંગત કારણ, તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. પોલીસે બનાવ સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તેની ચકાસણી હાથ ધરી પરિવારજનો અને શાળાના શિક્ષકોની પૂછપરછ શરૂ કરી છે.

(6:29 PM IST)