<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ખેડામાં કાળજું કંપાવતી કરુણાંતિકા: નર્મદા કેનાલમાં એક જ પરિવારના 4 સભ્યો હોમાયા, પત્ની અને બે માસૂમ દીકરીઓને ડૂબતા જોઈ બચાવવા પડેલા પિતા પણ લાપતા!

કપડવંજ પાસે કૌટુંબિક કલેશમાં પરિવારે જીવન ટૂંકાવ્યું; માતાએ બે પુત્રીઓને મોતની છલાંગ લગાવડાવ્યા બાદ પોતે પણ ઝંપલાવ્યું, સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

કપડવંજ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ આજે એક ભયાનક કરુણાંતિકાની સાક્ષી બની છે. કૌટુંબિક વિખવાદના લીધે એક હસતા-રમતા પરિવારના ચાર સભ્યો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ચકચાર મચાઈ ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં માતા અને બે માસૂમ પુત્રીઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે પત્ની-બાળકોને બચાવવા માટે કૂદેલા પિતા હજુ સુધી લાપતા છે.
કેનાલના પુલ પર ખેલાયો મોતનો ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, કપડવંજના ભાવાના મુવાડા ગામનો આ પરિવાર આંતરિક ઝઘડાઓને કારણે માનસિક તણાવમાં હતો. આજે બપોરના સુમારે એક પરિણીતા પોતાની બે નાની દીકરીઓને લઈને ફતિયાવાદ કેનાલના પુલ પર પહોંચી હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ, માતાએ પોતાની બંને કાળજાના કટકા સમાન પુત્રીઓને કેનાલના ધસમસતા પ્રવાહમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ મોતની છલાંગ લગાવી હતી.
પરિવારને ડૂબતો જોઈ પિતાએ પણ ઝંપલાવ્યું
આ આખી ઘટના બની તે જ સમયે મહિલાનો પતિ પણ કેનાલ પાસે આવી પહોંચ્યો હતો. પોતાની નજર સામે જ પત્ની અને લાડકવાઈ દીકરીઓને મોતના મુખમાં જતી જોઈ પિતાએ પણ તેમને બચાવવા માટે પળનો પણ વિચાર કર્યા વગર ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. કમનસીબે, પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ચારેય સભ્યો જોતજોતામાં ગરકાવ થઈ ગયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન અને કરુણ અંજામ
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. કપડવંજ ફાયર બ્રિગેડ અને આંતરસુબા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ માતા અને બંને પુત્રીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, પિતાની હજુ સુધી કોઈ ભાળ મળી નથી અને તેમની શોધખોળ તેજ બનાવવામાં આવી છે.
પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. એકાએક બનેલી આ ઘટનાએ ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે.

(6:41 PM IST)