<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

સુરતમાં હૃદયદ્રાવક ઘટના: લગ્નના માંડ એક મહિનામાં નવપરિણિત યુવકે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, પત્ની દવા લઈને ઘરે પરત ફરી ને આભ તૂટી પડ્યું!

મોટાભાઈએ વતનમાં જમીન ગીરવે મૂકી દેતા યુવક ભારે માનસિક તણાવમાં હતો: ભાઈઓ વચ્ચેના ઝઘડાનો કરુણ અંત, સચિન GIDC વિસ્તારમાં ચકચાર

સુરત : દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે. શહેરના સચિન GIDC વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિક યુવકે લગ્નના માત્ર એક જ મહિનામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વતનમાં આવેલી જમીનના વિવાદમાં મોટાભાઈ સાથે ચાલી રહેલા ઝઘડાથી કંટાળીને યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની ૨૪ વર્ષીય નંદલાલ સરોજ સુરતના સચિન GIDC વિસ્તારમાં પોતાની પત્ની કરિશ્મા સાથે રહેતો હતો. નંદલાલના લગ્ન હજુ ગત મહિને જ થયા હતા અને ઘરમાં નવવધૂના આગમનનો આનંદ હતો. જોકે, આ ખુશીઓ લાંબો સમય ટકી શકી નહીં. નંદલાલના મોટાભાઈએ વતનમાં આવેલી પરિવારની ખેતીની જમીન નંદલાલને જણાવ્યા વિના જ કોઈ અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી દીધી હતી. આ બાબતની જાણ થતાં જ બંને ભાઈઓ વચ્ચે ફોન પર ઉગ્ર વિવાદ અને ઝઘડો શરૂ થયો હતો, જેના કારણે નંદલાલ છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવમાં જીવી રહ્યો હતો.
પત્ની દવા લેવા ગઈ ને પાછળથી સર્જાયો કાળો કેર
મૃતકની પત્ની કરિશ્માએ રડતા રડતા જણાવ્યું કે, તે શનિવારે સાંજે થોડી નાદુરસ્ત તબિયતના કારણે નજીકના બજારમાં દવા લેવા માટે ગઈ હતી. જ્યારે તે દવા લઈને ઘરે પરત ફરી અને ઘરનો દરવાજો ખોલ્યો, ત્યારે સામેનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેનો પતિ નંદલાલ ઘરમાં પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. કરિશ્માએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પત્ની કરિશ્મા અને અન્ય સંબંધીઓના નિવેદનોના આધારે જમીન વિવાદના પાસા પર વધુ તપાસ હાથ ધરી છે. લગ્નના પહેલા જ મહિનામાં પતિની આત્મહત્યાથી નવપરિણિતા પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

(7:38 PM IST)