<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના:5 વર્ષીય વિદ્યાર્થિની વિદ્યાલયમાંથી પરત ફરતી વખતે વાનમાં અચાનક ઢળી પડી: કરૂણમોત

હોસ્પિટલમાં સીપીઆર આપવા છતાં તબીબોએ તેને મૃત જાહેર કરી: પિતાએ પોલીસ સમક્ષ તટસ્થ તપાસની માગ કરી .

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં સ્કૂલ વાનમાં મુસાફરી કરી રહેલી 5 વર્ષની માસૂમ બાળકી અચાનક ઢળી પડ્યા બાદ તેનું રહસ્યમય સંજોગોમાં કરુણ મોત નીપજ્યું છે. આ હૃદયદ્રાવક ઘટના મામલે ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક સીપીઆર આપવામાં આવ્યો હતો, પરંતુ બાળકીને બચાવી શકાઈ નહોતી. પિતાએ સમગ્ર ઘટના અંગે પોલીસ સમક્ષ તટસ્થ તપાસની માગણી કરી છે.

હીરાનગરી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક અત્યંત ચકચારી અને આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. શાળાએથી છૂટીને પોતાના ઘરે પરત ફરી રહેલી માત્ર 5 વર્ષની માસૂમ વિદ્યાર્થિની સ્કૂલ વાનમાં જ બેભાન હાલતમાં ઢળી પડી હતી. વાન જ્યારે તેના ઘર નજીક પહોંચી અને દરવાજો ખૂલ્યો ત્યારે બાળકી ઊંઘતી હોય તે રીતે અચેત જણાઈ હતી.

 

ચાલક અને આસપાસના લોકોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીના શરીરમાં કોઈ હલનચલન ન જણાતાં તાત્કાલિક પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ દ્રશ્ય જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

 

ઘટનાની ગંભીરતા જોઈને બાળકીના પિતા કોઈપણ ક્ષણ ગુમાવ્યા વિના તેને પર્વત પાટિયા સ્થિત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના તબીબોએ બાળકીની નાજુક સ્થિતિ પારખી તાબડતોબ સીપીઆર (CPR) અને જીવનરક્ષક સારવાર શરૂ કરી હતી.

કમનસીબ મોતને ભેટનાર 5 વર્ષીય બાળકીનું નામ વર્ણિતા રત્નદીપ તપતેશ્વર હોવાનું સામે આવ્યું છે. વર્ણિતા ડિંડોલી વિસ્તારમાં આવેલી જાણીતી માતૃભૂમિ વિદ્યાલયમાં સિનિયર કે.જી.માં અભ્યાસ કરતી હતી. રોજિંદા ક્રમ મુજબ તે સવારે હસતી-રમતી શાળાએ ગઈ હતી.

બાળકીના પિતા એક ખાનગી કંપનીમાં સામાન્ય મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ શ્રમિક પરિવાર પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે. ફૂલ જેવી દીકરીના અણધાર્યા વિદાયથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને માતા-પિતાના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ માસૂમ બાળકીનું મોત હાર્ટ એટેકથી થયું છે, ગૂંગળામણના કારણે થયું છે કે પછી વાનની અંદર કોઈ અન્ય શારીરિક તકલીફ ઊભી થઈ હતી, તે અંગેનું સાચું કારણ હજુ રહસ્યના ગર્ભમાં છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે શાળા અને વાન સંચાલકોની કોઈ બેદરકારી છે કે કેમ તેની સંપૂર્ણ અને ઊંડી તપાસ થવી જોઈએ.

સુરત પોલીસે આ સંદર્ભે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી છે. વાન ચાલક, સાથે સવાર અન્ય બાળકો અને શાળા સંચાલકોના નિવેદનો નોંધીને પોલીસ તમામ એંગલથી તપાસ ચલાવી રહી છે.

(1:23 PM IST)