<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

વાઘોડિયા તાલુકાના સરણેજ ગામ પાસે હૃદયદ્રાવક ઘટના: પ્રેમી પંખીડાએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

- બંનેએ એકબીજાને ઓઢણીથી બાંધીને કેનાલમાં છલાંગ લગાવી :જરોદ પોલીસ મથકની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢ્યા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સરણેજ ગામ પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ સંબંધમાં આખરી પગલું ભરતા એક યુગલે નર્મદા મેઈન કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વાઘોડિયાના સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવક અને યુવતીના મૃતદેહ તરતા મળી આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, બંનેએ એકબીજાને ઓઢણીથી બાંધીને કેનાલમાં છલાંગ લગાવી હતી, જે તેમના અતૂટ પણ કરૂણ નિર્ણયની સાક્ષી પૂરે છે. મૃતક યુગલની વય અંદાજે 25થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. સ્થાનિકોની નજર કેનાલમાં તરતા મૃતદેહો પર પડતા જ તેમણે તાત્કાલિક જરોદ પોલીસને જાણ કરી હતી.

 

જરોદ પોલીસ મથકની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ યુગલ ક્યાંનું હતું અને તેમણે આ આત્મઘાતી પગલું કેમ ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આસપાસના ગામોમાં ગુમ થયેલા યુવક-યુવતીઓની વિગતો મેળવી રહી છે જેથી તેમની ઓળખ થઈ શકે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું જણાય છે, પરંતુ સત્ય પીએમ રિપોર્ટ અને પરિવારજનોની ઓળખ બાદ જ સામે આવશે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રેમ અને સંબંધોના ગંભીર વળાંકો પર ચર્ચા જગાવી છે.

 

(12:33 AM IST)