તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
અમદાવાદના શીલજ વિસ્તારમાં હૃદયદ્રાવક અકસ્માત: પલ્સર બાઈકે મોપેડને ઉલાળતા નીચે પટકાયેલી પરિણીતા ૧૦ ફૂટ સુધી ઢસડાઈ, પતિની નજર સમક્ષ જ પત્નીએ તોડ્યો દમ
ગારબા ક્લાસથી ઘરે પરત ફરી રહેલા નવદંપતી પર વરસી આફત: લગ્નને માંડ બે જ મહિના થયા હતા ત્યાં પૂરપાટ ઝડપે દોડતી બાઈકે જીવ લીધો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદ : અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. શીલજમાં ડીપીએસ કેનાલ રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહેલા એક પલ્સર બાઈકના ચાલકે સામેથી આવતા મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં નીચે પટકાયેલી યુવતી મોપેડ સાથે ૧૦ ફૂટ સુધી રોડ પર ઢસડાઈ હતી અને ગંભીર ઈજાઓને કારણે તેના પતિની નજર સામે જ તેણે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોઈને કોઈપણની આંખમાં પાણી આવી જાય.
પ્રાપ્ત વિગતો અનુસાર, બોપલ વિસ્તારમાં રહેતા નિશિબેન દરજી ગરબા ક્લાસથી મોડી રાતે પોતાના મોપેડ પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા, જ્યારે તેમના પતિ હાર્દિક દરજી (જેઓ વ્યવસાયે કોરિયોગ્રાફર છે) પોતાની અલગ બાઈક પર સાથે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ડીપીએસ કેનાલ રોડ પર આવેલા માધવ કોમ્પલેક્સ નજીક ટર્ન લઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ગતિએ ધસી આવેલા પલ્સર બાઈકે તેમના મોપેડને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે નિશિબેન રોડ પર પટકાયા બાદ મોપેડ સાથે આશરે ૧૦ ફૂટ સુધી ઢસડાતા ગયા હતા. પતિની આંખ સમક્ષ જ બનેલી આ ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા નિશિબેનને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એક વધુ કરુણ હકીકત બહાર આવી છે કે મૃતક નિશિબેનના લગ્નને માંડ બે જ મહિના થયા હતા અને નવદંપતી પોતાના જીવનની નવી શરૂઆત કરી રહ્યા હતા. અકસ્માત સર્જનાર મુખ્ય બાઈક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ સ્થાનિક લોકોએ બાઈક પર પાછળ બેઠેલા શખસને પકડીને પોલીસના હવાલે કર્યો છે. બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ફરાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
