<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદ ટ્રાફિક પોલીસનું દિલ જીતી લેનારું કામ: પાણીમાં તણાઈ ગયેલી 100થી વધુ નંબર પ્લેટો શોધીને વાહન માલિકો સુધી પહોંચાડી, સોશિયલ મીડિયા બની મદદગાર

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ખોવાયેલી નંબર પ્લેટોને RTO ડેટા અને સોશિયલ મીડિયાની મદથી શોધીને પરત કરી પોલીસે, વાહન ચાલકોએ કરી પોલીસની ભરપેટ પ્રશંસા, તંત્રએ આપી સાવધાનીની સલાહ

અમદાવાદ તા.૨૬ : અમદાવાદમાં છેલ્લા 3-4 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના વસ્ત્રાલ, નરોડા, નિકોલ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાતા અનેક વાહન ચાલકોની કાર અને ટુ-વ્હીલરની નંબર પ્લેટ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

 

આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે માનવતા અને ફરજ બંનેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પોલીસ કર્મચારીઓએ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીમાં તણાઈને આવેલી 100થી વધુ નંબર પ્લેટો એકઠી કરી.

 

ખોવાયેલી નંબર પ્લેટોના માલિકોને શોધવા માટે ટ્રાફિક પોલીસે ટેકનોલોજીનો સહારો લીધો. પ્રથમ તમામ નંબર પ્લેટોના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા. સાથે જ RTOના રેકોર્ડ સાથે નંબર મેચ કરીને વાહન માલિકોના કોન્ટેક્ટ નંબર મેળવવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ દ્વારા એક-એક વાહન માલિકનો સંપર્ક કરીને તેમને પોલીસ સ્ટેશન બોલાવીને નંબર પ્લેટ પરત આપવામાં આવી.

પોલીસની આ પહેલથી વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ઘણા લોકોએ કહ્યું કે નવી નંબર પ્લેટ બનાવવામાં સમય અને પૈસા બંને બચી ગયા. સોશિયલ મીડિયા પર પણ લોકોએ #AhmedabadPolice હેશટેગ સાથે પોલીસના આ માનવતાભર્યા કામના વખાણ કર્યા.

અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ વાહન ચાલકોને અપીલ કરી છે કે ચોમાસામાં વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખો. નંબર પ્લેટ ઢીલી હોય તો તેને મજબૂત રીતે ફિટ કરાવી લો જેથી તે પાણીમાં તણાઈ ન જાય.

(12:44 PM IST)