<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની સંવેદનશીલ પહેલ: સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોનું માસિક સ્ટાઈપેન્ડ રૂ. 12,000થી વધારીને રૂ. 20,160 કરવાનો ઐતિહાસિક નિર્ણય

“વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે” - આરોગ્ય મંત્રીની પ્રતિબદ્ધતા; સરકારના યુવા ડોક્ટરો પ્રત્યેના સંવેદનશીલ અભિગમથી કોલેજ પરિવારમાં આનંદની લહેર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માન્યો આભાર

સિદ્ધપુર તા.૧૫ : સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગાઉ માસિક રૂ. 12,000 મળતું સ્ટાઈપેન્ડ હવે વધારીને રૂ. 20,160 કરવામાં આવ્યું છે. જેને કારણે સમગ્ર કોલેજ પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.

કોલેજના ડીન અને વહીવટી વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સમક્ષ ઇન્ટર્ન ડોક્ટરોને સરકારી ધોરણ મુજબ યોગ્ય સ્ટાઈપેન્ડ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીએ વિદ્યાર્થીઓની લાગણી અને પરિશ્રમને સમજીને માંગણીનો સકારાત્મક સ્વીકાર કરી આ વધારો જાહેર કર્યો છે.

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે “વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે”. ઇન્ટર્નશિપ દરમિયાન દિવસ-રાત દર્દીઓની સેવા આપતા યુવા ડોક્ટરો માટે આ નિર્ણય માત્ર આર્થિક સહારો નથી, પરંતુ તેમની મહેનત, સમર્પણ અને સપનાઓને મળેલી સરકારશ્રીની સંવેદનાત્મક કદર છે. આ વધારાથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને સેવાભાવ વધુ મજબૂત બનશે.

સિદ્ધપુર ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના સર્વે ડોક્ટર સ્ટાફ, અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારના આ વિદ્યાર્થીહિતના ઐતિહાસિક નિર્ણયને વધાવી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

“વિદ્યાર્થીઓના સપનાઓને નવી ઉડાન આપતો આ નિર્ણય માત્ર સહાય નહીં, પરંતુ યુવા શક્તિ પ્રત્યે સરકારના વિશ્વાસ અને સંવેદનાનો જીવંત પુરાવો છે.”

(1:44 PM IST)