News of Sunday, 10th May 2026
સુરતની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ અને સુધારાના આદેશ બાદ તંત્રની ઊંઘ ઉડી
સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સફાઈ અને સમારકામની કામગીરી::હોસ્પિટલના વિવિધ વિભાગોમાં તૂટી ગયેલી ટાઇલ્સ બદલવાનું કામ શરૂ: દીવાલ પરના જાળા અને ગંદકી દૂર કરવા માટે ખાસ ટીમો તૈનાત

સુરતની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી પડતર પ્રશ્નો અને સુવિધાઓના અભાવે દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હતી. જોકે, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ બાદ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. આ મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલની અવદશા જોઈને તાત્કાલિક સુધારાના આદેશ આપ્યા હતા, જેના પરિણામે અત્યારે સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સફાઈ અને સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયકે માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચના મુજબ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં તૂટી ગયેલી ટાઇલ્સ બદલવાનું કામ શરૂ કરી દેવાયું છે. રવિવારની રજા હોવાથી દર્દીઓની ભીડ ઓછી રહે છે, જેનો લાભ લઈને આખી હોસ્પિટલમાં 'મેગા સફાઈ અભિયાન' હાથ ધરવામાં આવ્યું છે. દીવાલ પરના જાળા અને ગંદકી દૂર કરવા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં આવતા ગંભીર દર્દીઓની સુવિધા માટે હવે દરેક ગેટ પર વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે એક કર્મચારી પણ હાજર રહેશે, જેથી દર્દીઓને વ્હીલચેર શોધવા માટે રઝળપાટ ન કરવો પડે.
વધુમાં, હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી મશીન બંધ હોવાની જે ચર્ચાઓ ચાલતી હતી તેનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર, મશીન હાલ કાર્યરત છે અને મંત્રીશ્રીએ તે બાબતે જરૂરી સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર હવે સુરત સિવિલ હોસ્પિટલને અમદાવાદની ખ્યાતનામ યુ.એન. મહેતા હોસ્પિટલ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવા જઈ રહી છે. ખાસ કરીને હૃદયરોગના દર્દીઓ માટે અહીં સેટેલાઇટ સેન્ટર ડેવલપ કરવાની યોજના છે. પીએમ રૂમના કેબિનેટ એસી અને અન્ય ઇલેક્ટ્રિકલ કામો પણ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવાની ખાતરી આપવામાં આવી છે. આ તમામ પગલાંઓથી સુરત અને આસપાસના જિલ્લાઓમાંથી આવતા હજારો દર્દીઓને હવે વધુ સારી અને ઝડપી સારવાર મળી રહેશે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
