તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
ગુજરાતમાં શિક્ષણની વરવી વાસ્તવિકતા : શાળા શરૂ થયાના ૧૦ દિવસ પછી પણ ધોરણ ૯ અને ૧૧ના પુસ્તકો ગાયબ
બજારમાં રૂપિયાથી વેચાતા પુસ્તકો ઉપલબ્ધ, પણ વિનામૂલ્યે અપાતા પુસ્તકોનું છાપકામ જ અધૂરું : પુસ્તક મંડળની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવતા કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલ

રાજકોટ તા. ૧૮ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્ટેટ કરિકયુલમ ફ્રેમવર્ક રજૂ કરવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ, નવા અભ્યાસક્રમ અને શિક્ષણમાં આમૂલ પરિવર્તનની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પાસે ભણવા માટેના પાઠ્યપુસ્તકો જ ઉપલબ્ધ નથી, ત્યારે આવા ફ્રેમવર્કનો વાસ્તવિક અર્થ શું રહે છે?
નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક વર્ષ ૨૦૨૩માં જાહેર થઈ ચૂકયું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર પાસે નવા અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ વ્યવસ્થાની તૈયારી માટે પૂરતો સમય હતો. તેમ છતાં આજે સ્ટેટ કરિકયુલમ ફ્રેમવર્કના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ હજુ પણ વિનામૂલ્યે મળવાપાત્ર પાઠ્ય પુસ્તકોની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં શાળાઓ ૬ જૂનથી શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે શાળા શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો ઉપલબ્ધ થઈ જવા જોઈએ જેથી પ્રથમ દિવસથી જ શિક્ષણકાર્ય નિયમિત રીતે શરૂ થઈ શકે. પરંતુ આજે શાળા શરૂ થયાને ૧૦ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓ, ખાસ કરીને ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
ધોરણ ૯ થી ૧૨ના પુસ્તકોના વિતરણમાં ગંભીર વિલંબ જોવા મળી રહ્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ કુલ ૨૦૮ રૂટમાંથી માત્ર ૧૫ રૂટમાં જ પુસ્તકો મોકલવામાં આવ્યા છે, જ્યારે ૧૯૩ રૂટમાં હજુ સુધી પુસ્તકો પહોંચ્યા નથી. રાજ્યભરના ૪૦૦થી વધુ વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ સમગ્ર સ્થિતિનો સૌથી વધુ ભોગ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બની રહ્યા છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી તથા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા આપવામાં આવતા વિનામૂલ્ય પાઠ્યપુસ્તકો પર આધાર રાખે છે. પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસને સીધી અસર પહોંચી રહી છે અને શિક્ષકો માટે પણ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો મુશ્કેલ બની રહ્યો છે.
આ સમગ્ર મામલામાં માત્ર વહીવટી બેદરકારી જ નહીં પરંતુ મોટા પાયે અનિયમિતતા અથવા સંભવિત કૌભાંડની આશંકા પણ નકારી શકાય તેમ નથી.
આગામી દિવસોમાં ઉપલબ્ધ દસ્તાવેજો, આંતરિક માહિતી અને હકીકતોની વધુ તપાસ કરીને સમગ્ર સત્ય જનતા સમક્ષ મૂકવામાં આવશે. જો આ મામલામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, નાણાકીય અનિયમિતતા અથવા જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવશે તો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.
ગુજરાત સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાકી રહેલા તમામ પાઠ્યપુસ્તકોનું વિતરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરે, સમગ્ર મામલે પારદર્શક તપાસ હાથ ધરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ અન્યાય માટે જવાબદારોને જવાબદાર ઠેરવે તેવી માંગ પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે ઉઠાવી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
