તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
હાર્દિક પટેલ : ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક
વિધાનસભા અધ્યક્ષ દ્વારા નિયમ ૧૫૯(૧) હેઠળ નિમણૂક કરાઈઃ સમિતિમાં કૌશિકભાઈ વેકરીયા, બલરાજસિંહ ચૌહાણ સહિત ૧૦ સભ્યોનો સમાવેશઃ સરકારના નિયમો પર રાખશે બાજ નજર

રાજકોટ તા.૨૧: ગુજરાત વિધાનસભાની મહત્વની ગણાતી ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી છે. વિધાનસભાના નિયમોના નિયમ ૧૫૯(૧) અન્વયે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા આ નિમણૂક કરાઈ છે અને આ સાથે હાર્દિક પટેલને વિધાનસભાની કામગીરીમાં એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ગૌણ વિધાન સમિતિનું મુખ્ય કાર્ય વિધાનસભા દ્વારા કોઈ કાયદો પસાર કરવામાં આવે તે પછી સરકાર તે કાયદાના અમલીકરણ માટે બનાવે છે તેવા વિગતવાર નિયમો, વિનિયમો અને પેટા-કાયદાઓની ચકાસણી કરવાનું છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ નિયમો મૂળ કાયદાની મર્યાદામાં છે કે નહીં, કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને તો નિયમો બનાવાયા નથી ને તેની તપાસ આ સમિતિ કરે છે. આ રીતે સમિતિ વિધાનસભાના અધિકારોનું રક્ષણ કરવાનું કામ કરે છે.
ગૌણ વિધાન સમિતિમાં પ્રમુખ તરીકે હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ૯ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાના કાયદા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા હોદ્દાની રૂએ, બલરાજાસિહ ચૌહાણ, અમિત ઠાકર, ઈમરાન ખેડાવાલા, રાઘવજીભાઈ પટેલ, ભીખાભાઈ બારૈયા, ચૈતન્યસિહ ઝાલા, અરવિદ રાણા અને સંદિપ દેસાઈનો સમાવેશ થાય છે.
ધારાસભ્ય હાર્દિક પટેલની આ નિમણૂકને પગલે તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે ગૌણ વિધાન સમિતિ જેવી ટેકનિકલ અને કાયદાકીય બાબતો સાથે સંકળાયેલી સમિતિનું પ્રમુખપદ યુવા ધારાસભ્યને મળવું એ વિશ્વાસનું પ્રતીક છે. હવે હાર્દિક પટેલ સમિતિના પ્રમુખ તરીકે સરકાર દ્વારા બનાવવામાં આવતા નિયમોની ઝીણવટભરી ચકાસણી કરશે અને કાયદાની મર્યાદા બહાર જતા નિયમો અંગે વિધાનસભાને ભલામણ કરશે. (હાર્દિક પટેલ મો. ૯૯૭૮૫ ૨૦૭૯૩)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
