તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
વડોદરામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનો કારમો ત્રાસ: દીકરીના જન્મ અને ₹૧૦ લાખની માંગથી કંટાળી પરિણીતાએ નસ કાપી ફિનાઈલ પીધું, ઈન-કેમેરા મોત!
"દીકરીનો ખર્ચ કોણ ઉપાડશે? પિયરમાંથી રૂ. ૧૦ લાખ લાવ": સસરાની હાર્ટ એટેક લાવી દેવાની ધમકીઓ વચ્ચે સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોમલનું કરુણ મોત, પતિ-સાસુ-સસરા સામે ગુનો નોંધાયો

વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાંથી દહેજપ્રથા અને ઘરેલુ હિંસાનો એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. લગ્ન બાદ દીકરીનો જન્મ થતાં અને પિયરમાંથી રૂ. ૧૦ લાખની દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા સાસરિયાઓથી તંગ આવીને એક માસૂમ પરિણીતાએ ડાબા હાથની નસ કાપી ફિનાઈલ પી આત્મહત્યા કરી લીધી છે. સવિતા હોસ્પિટલના આઈસીયુ (ICU)માં જિંદગી અને મોત વચ્ચે ઝૂલા ખાધા બાદ પરિણીતાનું કરુણ મોત નિપજતાં સમગ્ર વડોદરા શહેરમાં અરેરાટી સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
કચ્છના દેશલપુરના વતની સચિન સોનીની બહેન કોમલના લગ્ન ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરાના આકાશ જયપ્રકાશ કંસારા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમણે દીકરી 'દિવિશા'ને જન્મ આપ્યો હતો. જોકે, બાળકીના જન્મ સાથે જ સાસરિયાઓનો અસલી ચહેરો સામે આવ્યો હતો. "છોકરીનો ખર્ચ કોણ ઉપાડશે?" તેમ કહીને પિયરમાંથી ૧૦ લાખ રૂપિયા લાવી આપવા દબાણ કરાતું હતું. એટલું જ નહીં, બાથરૂમ કે મોબાઈલ રિપેરિંગ જેવી નાની-નાની બાબતોમાં ઝઘડા કરી સસરા દ્વારા કોમલના પિતાને હાર્ટ એટેક લાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
ગર્ભવતી હોવાની શક્યતા વચ્ચે જ ભરેલું પગલું, પોલીસે ત્રણેય આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી
ગત ૧૫ સપ્ટેમ્બરે પતિ સાથે તીવ્ર બોલાચાલી અને ભારે માનસિક તણાવમાં આવી ગયેલી કોમલે વડોદરા સ્થિત ઘરે જ ફિનાઈલ પી લીધું હતું અને પોતાના હાથની નસ કાપી નાખી હતી. ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરાયેલી કોમલનું ૨૪ સપ્ટેમ્બરની રાત્રે મોત નીપજ્યું હતું. શરૂઆતમાં ઘર-સંસાર ન બગડે તે માટે ચૂપ રહેલા પીડિત પરિવારે અંતે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકના પતિ આકાશકુમાર, સસરા જયપ્રકાશ કંસારા અને સાસુ અનિલાબેન સામે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
