તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
૮૦મા સ્વાતંય પર્વ નિમિત્તે ૧૦મીથી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન
૧૦મીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે તિરંગા યાત્રા

અમદાવાદ,તા.૫: ભારતના ૮૦મા સ્વાતંય પર્વની ઉજવણી પૂર્વે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન યોજવાની ભાજપે જાહેરાત કરી છે. આ અભિયાનના ભાગરૂપે ૧૦મીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે. ૧૧થી ૧૩ ઓગસ્ટ દરમિયાન દરેક જિલ્લા અને મહાનગરમાં મંડલ સ્ટરે જનભાગીદારી સાથે દેશભક્તિમય વાતાવરણમાં ભવ્ય તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવશે. જ્યારે ૧૪મીએ વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવાનો ભાજપે નિર્ણય કર્યો છે.
પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં પ્રમુખ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના અમૃત વર્ષ ૨૦૨૨થી હર ઘર તિરંગા અભિયાનનો આરંભ કરાવ્યો હતો. આ અભિયાનને દર વર્ષે આગળ વધારવામાં આવી રહ્યું છે. નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર, ગૌરવ અને આત્મિયતા મજબૂત કરવા માટે આ વર્ષે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ‘હું ભારતીય છું' તેવું સ્વાભિમાન જગાવવાના હેતુ સાથે રાજ્યમાં જિલ્લા, મહાનગરોમાં મંડલ સ્તરે તિરંગા યાત્રા યોજાશે.
બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરે વિગતો આપી હતી કે, મંડલ સ્તરે યોજાનાર તિરંગા યાત્રા દરમિયાન વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ, પૂર્વ સૈનિકો, શહીદ સૈનિકોના પરિવારજનો યુવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ, અને નાગરિક ભાઈઓ તથા બહેનોને પણ જોડવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન અન્વયે ભાજપા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ પરિવાર અને બાળકો સાથે તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવશે. ૧૪ ઓગસ્ટના રોજ જિલ્લા-મહાનગર ખાતે વિભાજન સમયે અનેક નાગરિકોએ ભોગવેલી પીડા અને યાતનાઓના સ્મરણ કરતાં કાર્યક્રમો યોજાશે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
