<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

સાગબારાના ખોપીમાં 24 દિવસ બાદ ધરણાનો સુખદ અંત : મંત્રીઓના આશ્વાસનથી ખેડૂતોના પારણા

24 દિવસનો ખેડૂત આક્રોશ, મંત્રીઓએ કરાવ્યા પારણા; હવે 3-4 મહિનાના સરકારી વચનની કસોટી : જંગલ જમીન મુદ્દે 24 દિવસનો જંગ પૂર્ણ: મંત્રીઓ પહોંચ્યા, ખેડૂતોને પારણા કરાવ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના મુદ્દે છેલ્લા 24 દિવસથી ધરણા પર બેઠેલા આદિવાસી ખેડૂતોના આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના વન મંત્રી પ્રવીણ માળી, નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધરણા સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે ચર્ચા કરી આંદોલન સમેટાવ્યું હતું.
ધરણા સ્થળે પહોંચેલા બંને મંત્રીઓ અને સાંસદે ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ સરકાર તરફથી જંગલ જમીન સંબંધિત પ્રશ્નના ઉકેલ માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવાની ખાતરી આપી હતી.
સરકાર તરફથી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આગામી 3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે, જેના કારણે ખેડૂતોને ખેડાણ સહિતના મુદ્દે હવે આગામી દિવસોમાં સરકારની કાર્યવાહી અને નિર્ણયની રાહ જોવી પડશે.
આ પ્રસંગે મંત્રીઓએ ખોપી ગામના સરપંચ ઈશ્વરભાઈ ને પાણી પીવડાવીને પારણા કરાવ્યા હતા અને 24 દિવસથી ચાલી રહેલા ધરણાનો સત્તાવાર અંત લાવ્યો હતો.
વન મંત્રી પ્રવીણ માળીએ ખેડૂતોને ખેડાણ બાબતે આગામી દિવસોમાં રાહ જોવાની અપીલ કરી હતી. બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સાગબારાના ખેડૂતોના આંદોલન બાદ રાજ્યમાં પેન્ડિંગ રહેલા અંદાજે 60 થી 70 હજાર દાવાઓ/અરજીઓ અંગે પણ સરકાર દ્વારા મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જોકે, 24 દિવસથી સતત ધરણા પર બેઠેલા ભાજપના મહિલા આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. લીલાબેનની સ્થિતિ અંગે ખોપી ગામના સરપંચ ઈશ્વરભાઈ વાત કરતાં ભાવુક બન્યા હતા.
ધરણાનો અંત આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા સંદીપસિંહ મંગરોલા, BTP આગેવાન મહેશ વસાવા સહિત વિવિધ પક્ષોના આગેવાનો અને સ્થાનિક આગેવાનોએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
24 દિવસના લાંબા આંદોલન બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે બનેલી સમજૂતીથી હાલ પૂરતો જંગલ જમીનનો વિવાદ શમ્યો છે. હવે સરકાર દ્વારા આપવામાં આવેલા આશ્વાસન મુજબ આગામી 3 થી 4 મહિનામાં વહીવટી પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને ખેડૂતોના જમીન તથા ખેડાણના પ્રશ્નોનો વાસ્તવિક ઉકેલ ક્યારે આવે છે, તેના પર સૌની નજર રહેશે

(10:33 PM IST)