<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ગુજરાતનું પોલીસ તંત્ર હાઈએલર્ટ પર મુકતા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિક

એક સાથે ૪ સિસ્‍ટમ કાર્યરત થતાં વર્ષોના રેકોર્ડ તોડ વરસાદની આગાહી, ફરી તબાહી ન મચાવે તે માટે મુખ્‍ય પોલિસવડા દ્વારા ટોચના આધિકારીઓને આપેલ આદેશના પગલે રાઉન્‍ડ ધ ક્‍લોક વ્‍યસ્‍થાપન ગોઠવાયુ : ભયજનક વિસ્‍તારમાં લોકો સાથે અબોલ પશુઓના સ્‍થળાતંર કાર્યમાં વિવિધ વિભાગો સાથે સંકલનનો પ્રારંભ : ટ્રાફિક વ્‍યવસ્‍થા સુદ્રઢ રાખવા હાઇવે પર વધારાનો ફોર્સ તૈનાત, ટ્રાફિક ડાયવર્ટના રાતોરાત વિકલ્‍પો શોધી કાઢવામાં આવ્‍યા : NDRF અને SDRF સાથે પોલિસ કોઈપણ ઇમર્જન્‍સીને પહોંચી વાળવા રેસ્‍કયુ બોટ સાથે સજ્જઃ તમામ કંટ્રોલ રૂમ ૨૪ કલાક સજ્જઃ DGP તમામ પરિસ્‍થિતિ પર સતત નજર રાખી રહ્યા છે

રાજકોટ તા.૩૧: રાજ્‍યમાં ૨૦૦ વર્ષમાં ન થયો હોય તેવો ૪ સિસ્‍ટમ સાથે એક્‍ટિવ થતાં આભ ફાટે તેવા વરસાદની હવામાન ખાતાની ચેતવણીના પગલે રાજ્‍યના અનુભવી પોલિસવડા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિકના આદેશના પગલે પગલે રાજ્‍ય પોલિસ તંત્ર એલર્ટ મોડમાં મુકવા સાથે કોઈપણ પરિસ્‍થિતિનો મુકાબલો કરવા સજ્જ બન્‍યું છે.

હવામાન વિભાગે આગામી ૨૪ થી ૪૮ કલાકમાં રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરી છે. ૪ સિસ્‍ટમ એકસાથે સક્રિય થવાના કારણે જે પ્રકારની સ્‍થિતિ સર્જાઈ શકે છે તેને ધ્‍યાનમાં રાખીને DGP જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિકે તાત્‍કાલિક તમામ પોલિસ કમિશનરો, રેન્‍જ IG, જિલ્લા SP અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી.

DGP એ સ્‍પષ્ટ આદેશ આપ્‍યા છે કે આગામી દિવસોમાં પોલિસ તંત્ર ૨૪ કલાક એલર્ટ મોડમાં રહે. કોઈપણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ફિલ્‍ડ યુનિટોને flood-rescue સાધનો, ઈમરજન્‍સી મશીનરી અને રેસ્‍કયુ બોટ સાથે સંપૂર્ણ સજ્જ રહેવા જણાવાયું છે. NDRF અને SDRF ની ટીમો સાથે સતત સંપર્કમાં રહીને જરૂર પડ્‍યે તાત્‍કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે.

નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્‍તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્‍થળાંતર કરવા માટે જિલ્લા વહીવટ, મહાનગરપાલિકા, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે સંકલનમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પશુઓને પણ સુરક્ષિત સ્‍થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક વ્‍યવસ્‍થાને સુચારુ રાખવા માટે રાષ્‍ટ્રીય અને રાજ્‍ય ધોરીમાર્ગો તેમજ શહેરના મુખ્‍ય માર્ગો પર વધારાની પોલિસ તૈનાત કરવામાં આવી છે. પાણી ભરાયેલા વિસ્‍તારોમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે વૈકલ્‍પિક રૂટ ઓળખી કાઢવામાં આવ્‍યા છે અને cranes સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી છે.

રાજ્‍યભરના તમામ જિલ્લા કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત કરવામાં આવ્‍યા છે. ગાંધીનગર ખાતેથી સ્‍ટેટ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર પરિસ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવશે. સંચાર વ્‍યવસ્‍થા અવિરત ચાલુ રહે તે માટે VHF, HF અને અન્‍ય આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. DGP જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિકે નાગરિકોને પણ અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદી-નાળા, પાણી ભરેલા રસ્‍તા અને નબળા મકાનોથી દૂર રહે. બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળે અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરે. પોલિસ તંત્ર કોઈપણ પરિસ્‍થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

(11:25 AM IST)