તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ગુરુજીનો ક્રોધ કે ક્રૂરતા? વડોદરામાં શિક્ષકને માત્ર "હેપ્પી બર્થડે" કહેનારા માસૂમ વિદ્યાર્થીને માસ્તરે ઝીંકી દીધા સણસણતા લાફા!
'માસ્તર'નું સ્તર આટલું નીચું? વિદ્યાર્થીએ ડરના માર્યા શાળાએ જવાનું બંધ કરતા પાપ છાપરે ચડીને પોકાર્યું; થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હતો

વડોદરા : આપણી ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને માતા-પિતા કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર ગુરુને આપણે 'માસ્તર' એટલે કે 'મા સમાન સ્તર' કહીને પૂજીએ છીએ. પરંતુ, વર્તમાન સમયમાં કેટલાક ક્રોધિત શિક્ષકોની ક્રૂરતા જોઈને સમાજમાં એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. રાજ્યની સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દોષ વિદ્યાર્થીએ પોતાના જ શિક્ષકને તેમના જન્મદિવસે માત્ર "હેપ્પી બર્થડે" કહીને શુભેચ્છા પાઠવી, તો આ સામાન્ય બાબતથી રોષે ભરાયેલા પથ્થર દિલ શિક્ષકે તે માસૂમને બેરહેમીથી લાફા ઝીંકી દીધા!
આ શરમજનક કિસ્સો વડોદરાની ખ્યાતનામ ‘લિટલ ફ્લાવર સ્કૂલ’ (Little Flower School) માં બન્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના બીજા દિવસે જ્યારે ડરી ગયેલા વિદ્યાર્થીએ રડતા-રડતા શાળાએ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, ત્યારે વાલીઓને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી. વાલીઓએ પ્રેમથી પૂછતા માસૂમ બાળકે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. આ સાંભળીને હેબતાઈ ગયેલા વાલીઓ તુરંત જ બાળકને તબીબી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ નરાધમ શિક્ષક સામે કડક પગલાં લેવા માટે પોલીસ મથકે લેખિત અરજી પણ દાખલ કરી છે.
અમદાવાદમાં શિક્ષકના રાક્ષસી અત્યાચારે લીધો કાનનો ભોગ!
વડોદરાની આ ઘટના હજુ શાંત નથી થઈ ત્યાં થોડા દિવસ પહેલા જ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ‘ચાણક્ય સ્કૂલ’ માંથી પણ આવી જ એક કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાં ધોરણ-૧૦માં ભણતા એક વિદ્યાર્થીને તેના પીટી (PT) ટીચર લક્ષ્મણ પરાતેએ માત્ર મેદાનમાં મિત્રો સાથે વાત કરવા જેવી નજીવી બાબતમાં જાહેરમાં એવો સણસણતો લાફો માર્યો હતો કે માસૂમ બાળકના કાનનો પડદો જ ફાટી ગયો હતો!
અમદાવાદની એ ઘટના એટલી ભયાનક હતી કે શિક્ષકના લાફાના પ્રહારથી વિદ્યાર્થીના ડાબા કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું અને ગંભીર સોજો આવી જતાં તેને સંભળાવાનું તદ્દન બંધ થઈ ગયું હતું. જ્યારે ગભરાયેલા પિતા શાળાએ પહોંચ્યા ત્યારે તેમનો પુત્ર પીડાથી કણસી રહ્યો હતો. ડોક્ટરોની તપાસમાં સામે આવ્યું કે કાનના પડદામાં મોટું કાણું પડી ગયું છે! આ મામલે વાલીઓએ નિકોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની એફઆઈઆર (FIR) નોંધાવી હતી, જેના દબાણમાં આવીને સ્કૂલ સંચાલકોએ આ હિંસક શિક્ષક લક્ષ્મણ પરાતેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો.
શાળાઓમાં સતત વધી રહેલા આવા હિંસક કિસ્સાઓને કારણે હવે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, "શું હવે શાળાઓ વિદ્યાના ધામ મટીને હિંસાના કેન્દ્ર બની રહી છે?" વડોદરા પોલીસે પણ હવે લિટલ ફ્લાવર સ્કૂલના આ મામલાને ગંભીરતાથી લઈને કાયદાકીય તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
