News of Tuesday, 6th October 2026
યુવાનોના કૌશલ્ય વિકાસથી વિકસિત ગુજરાતનો સંકલ્પ: ૩૦ હજારથી વધુ યુવાઓ કૌશલ્ય તાલીમ સાથે જોડાયા
NSQF, પ્રોજેક્ટ સંકલ્પ અને LIVE ના ત્રિવેણી સંગમ થકી ગુજરાતના યુવાનો બન્યા ‘ઇન્ડસ્ટ્રી-રેડી’: કૌશલ્યથી રોજગાર અને રોજગારથી આત્મનિર્ભરતા તરફ આગળ વધતું ગુજરાત

(અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્યસંપન્ન બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન હેઠળ કાર્યરત NSQF કક્ષાના ટૂંકાગાળાના અભ્યાસક્રમોમાં ૧૮,૧૧૨ ઉમેદવારો, ‘પ્રોજેક્ટ સંકલ્પ’માં ૭,૧૫૨ અને ‘LIVE’ યોજનામાં ૫,૧૧૮ મળી કુલ ૩૦ હજારથી વધુ ઉમેદવારો તાલીમ સાથે જોડાઈ ચૂક્યા છે. જે કૌશલ્યસભર યુવા શક્તિ અને વિકસિત ગુજરાતની દિશામાં મહત્વનું પગલું સાબિત થઈ રહ્યું છે.
નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક-NSQF કક્ષાના ટૂંકાગાળાના અભ્યાસક્રમો અંતર્ગત રાજ્યની વિવિધ સરકારી ITI દ્વારા હેલ્થકેર, આઈ.ટી., એપરલ, બ્યુટી એન્ડ વેલનેસ, કેપિટલ ગુડ્સ અને એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રોમાં ૨ થી ૬ મહિનાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં ધોરણ ૫,૮,૯ અને ૧૦ પાસ તેમજ સ્નાતક કક્ષાના ઉમેદવારો માટે વિવિધ લાયકાત આધારિત અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ GCVT દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
યુવાનોને વાસ્તવિક ઔદ્યોગિક વાતાવરણમાં પ્રાયોગિક તાલીમ આપી તેમને રોજગારલક્ષી કૌશલ્યોથી સજ્જ કરવાના હેતુથી ‘પ્રોજેક્ટ સંકલ્પ’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ઉદ્યોગ પરિસરમાં જ ૩થી ૬ મહિનાની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. પ્રમાણિત ટ્રેનર્સ દ્વારા તાલીમ, સેક્ટર સ્કીલ કાઉન્સિલ દ્વારા મૂલ્યાંકન, રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર તેમજ અદ્યતન મશીનરી પર પ્રાયોગિક અનુભવ જેવી વિશેષતાઓ યુવાનોને ઉદ્યોગલક્ષી કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર યુવાનો માટે સંબંધિત ઉદ્યોગોમાં રોજગારીની ઉજ્જવળ તકોનું નિર્માણ થાય છે.
ક્લસ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન-LIVE યોજના હેઠળ સરકારી ITI, સ્થાનિક GIDC, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા ઉદ્યોગોના સહયોગથી સ્થાનિક માંગ આધારિત ટૂંકાગાળાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં Food Packer, PCB Assembly Operator, Edible Oil Packaging Operation, Agricultural Equipments, Organic Farming, Checker Inline and Measurement તથા Jigger Machine Operator જેવા અભ્યાસક્રમો દ્વારા ગ્રામીણ, અર્ધ-શહેરી અને શહેરી યુવાનોનું Skilling, Re-skilling અને Up-skilling કરવામાં આવે છે. આ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને પ્રોત્સાહનરૂપે DBT મારફતે લઘુત્તમ વેતનના ૫૦ ટકા સુધીનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે, જેથી તેઓ કૌશલ્ય સાથે આર્થિક રીતે પણ સશક્ત બની શકે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સ્કિલ ઈન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ના વિઝનને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નેતૃત્વમાં ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન (GSDM) દ્વારા યુવાનો માટે વિવિધ કૌશલ્યવર્ધક યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને અર્થપૂર્ણ, ઉદ્યોગસંબંધિત અને કૌશલ્યલક્ષી તાલીમ આપી તેમની પસંદગીના ક્ષેત્રમાં આજીવિકા મેળવવામાં સહાય કરવી તથા સ્વરોજગારીની તકો ઊભી કરવી છે.
ગુજરાત સરકારનો આ અભિગમ માત્ર તાલીમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ‘કૌશલ્યથી રોજગાર અને રોજગારથી આત્મનિર્ભરતા’ તરફ યુવાનોને આગળ વધારવાનો છે. ઉદ્યોગોની સતત બદલાતી જરૂરિયાત અનુરૂપ તાલીમ અને કૌશલ્ય વિકાસની તકો પૂરી પાડતી આ યોજનાઓ ગુજરાતના યુવાનોને આધુનિક કૌશલ્ય, પ્રાયોગિક અનુભવ અને રોજગારની નવી તકો સાથે જોડવામાં આવી રહ્યા છે. પરિણામે યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ‘ઇન્ડસ્ટ્રી-રેડી’ બનાવી તેમની રોજગારક્ષમતા વધારવાની સાથે આત્મનિર્ભર અને વિકસિત ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.
કૌશલ્ય વિકાસ દ્વારા પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા ઇચ્છુક ઉમેદવારો વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધ અભ્યાસક્રમોની વિગતવાર માહિતી માટે ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનની અધિકૃત વેબસાઇટ skills.gujarat.gov.in પર મુલાકાત લઈ શકે છે અથવા નજીકની સરકારી ITIનો સંપર્ક કરી શકે છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
