<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

બાળ કલ્યાણ ક્ષેત્રે ગુજરાતની ગૌરવપૂર્ણ સિદ્ધિ : 'પાલક માતા-પિતા' સહિતની વિવિધ યોજનાઓથી રાજ્યના ૨૭ હજારથી વધુ બાળકોને રૂ. ૧૩૨ કરોડથી વધુની આર્થિક સહાય

અનાથ અને જરૂરિયાતમંદ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સહાય : દીકરીના લગ્ન પ્રસંગે રૂ. ૨ લાખ સુધીની મદદ આપતી યોજનાઓનો વ્યાપક અમલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ડૉ. મનિષાબેન વકીલના નેતૃત્વમાં રાજ્યના અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૫ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળામાં વિવિધ બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ ૨૭ હજારથી વધુ બાળકોને રૂ. ૧૩૨ કરોડથી વધુની આર્થિક સહાય અને શિષ્યવૃત્તિ પૂરી પાડીને તેઓનું જીવન ધોરણ સુધારવાનો પ્રયાસ કરાયો છે.

રાજ્ય સરકારના આંકડા મુજબ, 'પાલક માતા પિતા યોજના' હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માં ૨૧,૮૮૧ લાભાર્થીઓને રૂ. ૮૦.૮૧ કરોડ અને એપ્રિલ ૨૦૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨૨,૨૨૪ બાળકોને રૂ. ૩૪.૨૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ ૦ થી ૧૮ વર્ષના માતા-પિતા વિહોણા બાળકોની સંભાળ રાખતા સગાને માસિક રૂ. ૩,૦૦૦ ની સહાય સીધી બેંક ખાતામાં (DBT) આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે બાળકના જન્મ અને મરણના દાખલા, શાળાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, બેંક પાસબુક તથા બાળક અને પાલક વાલીના ઓળખકાર્ડ જેવા દસ્તાવેજો જરૂરી રહે છે.

આ ઉપરાંત, શેરો પોઝિટીવ ઇલનેસથી પીડાતા કે તેના કારણે નિરાધાર બનેલા બાળકોના અભ્યાસ માટે 'શેરો પોઝિટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ' હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માં ૫,૪૪૦ બાળકોને રૂ. ૧.૮૬ કરોડ અને એપ્રિલ થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ૫,૫૪૦ બાળકોને રૂ. ૩.૮૭ કરોડની વાર્ષિક રૂ. ૫,૦૦૦ થી રૂ. ૨૫,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ અપાઈ છે.

તેમજ પાલક માતા પિતા યોજના કે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની ૧૮ વર્ષ પૂર્ણ કરનારી લાભાર્થી દીકરીઓના લગ્ન પ્રસંગે એકવારીય રૂ. ૨ લાખની આર્થિક સહાય આપવાની યોજનામાં ૨૦૨૫-૨૬ ના વર્ષમાં ૪૦૬ દીકરીઓને રૂ. ૮.૧૨ કરોડ અને એપ્રિલ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨૧૫ દીકરીઓને રૂ. ૪.૩૦ કરોડની સહાય મંજૂર કરાઈ છે. ૧ એપ્રિલ ૨૦૨૩ થી અમલી આ યોજના હેઠળ લગ્નના ૨ વર્ષની અંદર અરજી કરવાની રહે છે.

(4:52 PM IST)