તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ગુજરાતના હાઈવે રક્તરંજિત: સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતો બનાસકાંઠાનો પરિવાર કાળનો કોળિયો બન્યો; જૂનાગઢ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ૪નાં કમકમાટીભર્યા મોત!
વડોદરામાં નાઇટ ડ્યુટીથી પરત ફરતા યુવાન એન્જિનિયરનું અને અમદાવાદમાં ખાડાને કારણે સ્કૂલ બસ નીચે કચડાતા મોપેડ ચાલકનું કરુણ મોત; અકસ્માતોની વણઝારથી રાજ્ય ધ્રુજી ઉઠ્યું

જૂનાગઢ : ગુજરાતમાં રસ્તાઓ પર યમરાજે જાણે ધામા નાખ્યા હોય તેમ અકસ્માતોનો વણથંભ્યો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢના મજેવડી ગામ પાસે નેશનલ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર ઉભેલી એક તોતિંગ ટ્રકની પાછળ પુરપાટ ઝડપે જતી કાર ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બનાસકાંઠાના એક જ પરિવારના ૪ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, કુદરતની કરામત કહો કે ચમત્કાર, આ આખી દુર્ઘટનામાં એક નિર્દોષ બાળકનો આબાદ બચાવ થયો છે.
મળતી વિગતો પ્રમાણે, બનાસકાંઠાનો આ અભાગી પરિવાર પોતાના સ્વજનના મૃત્યુ બાદ તેમના અસ્થિ વિસર્જનની પવિત્ર વિધિ માટે કાર લઈને સોમનાથ મહાદેવના શરણે જઈ રહ્યો હતો. તે દરમિયાન મજેવડી ગામ પાસે ફોર ટ્રેક રોડ પર એક ટ્રક બંધ હાલતમાં બિનજવાબદાર રીતે ઉભી રાખવામાં આવી હતી. અંધારું અથવા અંદાજ ન આવવાને કારણે કાર સીધી જ ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર અને ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સાવ કચડાઈને લોખંડનો ડબ્બો બની ગયો હતો.
હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ
ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકો, પોલીસ કાફલો અને ૧૦૮ની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ લાશોને બહાર કાઢી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોમાંથી બેની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વડોદરા: નાઇટ ડ્યુટી કરી ઘરે પરત ફરતા ૨૮ વર્ષીય એન્જિનિયરનું બાઇક સ્લીપ થતાં મોત
અકસ્માતનો બીજો કરુણ કિસ્સો વડોદરાના ફતેગંજ રોડ પરથી વહેલી સવારે સામે આવ્યો છે. અહીં નાઇટ ડ્યુટી (રાત્રિ પાળી) પૂરી કરીને ખૂબ જ ઉત્સાહથી પોતાના ઘરે પરત ફરી રહેલા ૨૮ વર્ષીય આશાસ્પદ એન્જિનિયર નીલ હિતેશકુમાર શાહનું બાઇક અચાનક સ્લીપ થઈ ગયું હતું. બાઇક પરથી રોડ પર પટકાતા નીલને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા; સારવાર દરમિયાન આ યુવાન એન્જિનિયરે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
અમદાવાદ: રસ્તા પરના ખુલ્લા ખાડાએ લીધો વધુ એક ભોગ, સ્કૂલ બસ નીચે કચડાતા યુવકનું મોત
અમદાવાદના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. રસ્તા પર લાંબા સમયથી પડેલા એક ખુલ્લા અને જોખમી ખાડાથી બચવાના પ્રયાસમાં એક મોપેડ ચાલક યુવાન અચાનક સંતુલન ગુમાવી બેઠો હતો અને બાજુમાંથી પસાર થતી ડીપીએસ (DPS) સ્કૂલની બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો હતો. બસનું તોતિંગ વ્હીલ ફરી વળતાં યુવાનનું ઘટનાસ્થળે જ કૂચડો બોલી ગયો હતો અને તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં સૌથી શરમજનક બાબત એ સામે આવી કે અકસ્માત બાદ બસમાં નાના માસૂમ વિદ્યાર્થીઓ બેઠેલા હોવા છતાં, માનવતા નેવે મૂકીને સ્કૂલ બસનો ડ્રાઈવર અને કંડક્ટર બાળકોને બસમાં જ રડતા-બિલખતા છોડીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હાલ અમદાવાદ પોલીસે ફરાર ડ્રાઈવર-કંડક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
