<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ગુજરાત આગામી 7 દિવસ ગરમી તોબા પોકારાવશેઃ હવામાન વિભાગે હોટ એનડ હયુ્મિડની ચેતવણી આપી

અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી આકરા ઉનાળાના એંધાણ સાથે 'હોટ એન્ડ હ્યુમિડ' ની ચેતવણી જાહેર કરવામાં આવી છે. શનિવારે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટિન મુજબ, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત ગરમીને કારણે નાગરિકોને ભારે અકળામણનો સામનો કરવો પડી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, ત્યારબાદ પારો સ્થિર થશે પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે.

 

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ સૂર્યપ્રકાશ આકરો બન્યો છે. અમદાવાદમાં 12 એપ્રિલની સવાર સુધી આકાશ ચોખ્ખું રહેવાની અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી છે. નોંધનીય છે કે ગત 24 કલાકમાં કચ્છના કંડલા જેવા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા 5.1 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું છે, જે ગંભીર ગરમીનો સંકેત આપે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે 'હીટ ઇન્ડેક્સ' (અનુભવાતી ગરમી) વાસ્તવિક તાપમાન કરતા વધુ વર્તાશે, જે માનવ શરીર માટે વધુ કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

 

IMDના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં 17 એપ્રિલ સુધી અને મુખ્ય ગુજરાતના તટીય વિસ્તારોમાં 12 થી 17 એપ્રિલ દરમિયાન અસહ્ય ઉકળાટ જોવા મળશે. જોકે, 18 થી 20 એપ્રિલ દરમિયાન હવામાનમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પૂરતા પ્રમાણમાં પાણી તથા પ્રવાહી આહાર લેવાની સલાહ આપી છે. ખાસ કરીને ખેતીકામ અને બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોને ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

(11:32 AM IST)