<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

દેશના 70 ટકા મીઠાનું ઉત્પાદન કરતા ગુજરાતમાં ડિઝલની ભારે અછતથી મીઠા ઉદ્યોગ ભાંગી પડ્યો, 60 લાખ ટન મીઠું અગરમાં પડ્યું રહેતા વરસાદ પહેલા ઉપાડ નહીં થાય તો 250 કરોડનું નુકસાન

કચ્છના નાના રણ, ધાંગધ્રા અને ખારાઘોડાના 3500થી વધુ અગરોમાં પરિવહન ઠપ થતા 50 હજાર અગરિયા સહિત એક લાખથી વધુ લોકોની રોજીરોટી જોખમમાં: કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ તાત્કાલિક ડિઝલ ઉપલબ્ધ કરાવવા અને નુકસાનનું વળતર ચૂકવવા સરકાર સમક્ષ માંગ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ  તા. 23 : દેશમાં કુલ મીઠાના ઉત્પાદનમાં 70 ટકા હિસ્સો ધરાવતા ગુજરાતને ડિઝલની અછતને કારણે મોટો ફટકો પડ્યો છે. મીઠાના ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ જતા કચ્છના નાના રણ સહિત ધાંગધ્રા, ખારાઘોડા વિસ્તારના 3500થી વધુ અગરોની સ્થિતિ કફોડી બની છે. 

 

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ જણાવ્યું કે હાલ 60 લાખ ટન મીઠું પાકીને તૈયાર પડ્યું છે, પરંતુ ડિઝલ ઉપલબ્ધ ન થતાં તેને અગરમાંથી ઉપાડી શકાતું નથી. જો આ સ્થિતિમાં વરસાદ પડે તો 250 કરોડ રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. 

 

કચ્છના નાના રણમાં 3500થી વધારે અગર આવેલા છે અને આશરે 50 હજાર લોકો સીધા મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. આડકતરી રીતે એક લાખ કરતાં વધારે લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. ડિઝલની અછતથી મીઠું પકવતા અગરિયાઓની આજીવિકાને માઠી અસર થઈ છે. 

 

ટ્રાન્સપોર્ટ એજન્સીઓ મીઠાને ટ્રાન્સફર કરવા માટે અગરિયા પાસે ડિઝલની માંગ કરી રહી છે. પરંતુ પંપ પર પૂરતી માત્રામાં ડિઝલ ન મળતાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. 

 

પાર્થિવરાજ કઠવાડીયાએ સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક અગરિયાઓને ડિઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ ડિઝલના પંપ પરથી કોણ વધારે ડિઝલ લઈ જઈ રહ્યું છે તેની તપાસ કરવાની માંગ પણ કરી છે. 

 

તેમણે કહ્યું કે ધાંગધ્રા, ખારાઘોડા અને કચ્છના નાના રણમાં અગરોની સ્થિતિ અત્યંત કફોડી છે. ડિઝલ ન મળવાના કારણે થયેલ નુકસાનનું સરકાર વળતર ચૂકવે તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

(2:20 PM IST)