તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ગુજરાત યુનિવર્સિટીની B.Com પરીક્ષામાં છબરડોઃ વિદ્યાર્થીઓનો હોબાળો અને અસમંજસ
નિયત ટાઈમટેબલ મુજબના વિષયને બદલે અન્ય વિષય કે સેમેસ્ટરનું ખોટું પ્રશ્નપત્ર વહેંચી દેવામાં આવ્યું હતું

અમદાવાદ,તા.૩૧:ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આજે ફરી એકવાર યુનિવર્સિટીની પરીક્ષા કામગીરીના ધજાગરા ઉડ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી B.Comની પરીક્ષામાં આજે એક મોટો છબરડો પ્રકાશમાં આવ્યો છે. પરીક્ષા હોલમાં બેઠેલા વિદ્યાર્થીઓને જ્યારે પ્રશ્નપત્ર આપવામાં આવ્યા, ત્યારે તેમાં નિયત ટાઈમટેબલ મુજબના વિષયને બદલે અન્ય વિષય કે સેમેસ્ટરનું ખોટું પ્રશ્નપત્ર વહેંચી દેવામાં આવ્યું હતું.
પેપર હાથમાં આવતાની સાથે જ વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ક્લાસ સુપરવાઈઝરનું ધ્યાન દોર્યું હતું. જોકે, શરૂઆતમાં યોગ્ય જવાબ ન મળતા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર જ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં આ સમાચાર અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર વાયુવેગે પ્રસરી ગયા હતા અને તમામ જગ્યાએ અસંતોષની લાગણી ફેલાઈ હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આવી મોટી બેદરકારીના કારણે તેમનો પરીક્ષાનો કિંમતી સમય વેડફાયો છે અને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે.
મામલો બિચકતો જોઈને પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ તાત્કાલિક યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફોન પર જાણ કરી હતી. પોતાની ભૂલ સ્વીકારીને તંત્ર દ્વારા તાબડતોબ નવું અને સાચું પ્રશ્નપત્ર કેન્દ્રો પર મોકલવાની અથવા ઓનલાઈન પ્રિન્ટ કઢાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે હોબાળા અને વિરોધ પ્રદર્શન બાદ આખરે પ્રશ્નપત્ર બદલવામાં આવ્યું હતું અને પરીક્ષા ફરી શરૂ કરાવાઈ હતી. જોકે, સવાલ એ ઊભો થાય છે કે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જેના પર નિર્ભર છે તેવી પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો સેટ કરવામાં અને વહેંચવામાં આટલી હદની લાપરવાહી કેવી રીતે થઈ શકે?
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
