તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત મોખરેઃ દેશના ટોપ ૨૦ જિલ્લાઓમાં રાજ્યના ૧૦
બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર ટોપ-૨૦માં ઇક્વિટી બજારમાં ગુજરાતની મજબૂત ભાગીદારીઃ ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા ૧.૧૫ કરોડને પાર : ઓગસ્ટ મહિનામાં ૨.૩ લાખ નવા રોકાણકારોના ઉમેરા સાથે દેશભરમાં નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત મોખરે

અમદાવાદ તા.૨૨: દેશ-વિદેશમાં ગુજરાતીઓની ઓળખ શેરબજારમાં રોકાણ કરનારા અને વેપારી લોકો તરીકેની છે. ગુજરાતીઓ શેરબજારમાં મોટા પાયે રોકાણ કરતા હોવાનું નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ડેટા પરથી સાબિત થયું હતું. ડેટા અનુસાર ઓગસ્ટ મહિનામાં ૨.૩ લાખ નવા રોકાણકારોના ઉમેરા સાથે દેશભરમાં નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત મોખરે રહ્યું હતું. તેમજ પ્રથમ વખત દેશના ટોપ-૧૦ જિલ્લાઓમાં ગુજરાતના પાંચ જિલ્લા અને ટોપ-૨૦માં ૧૦ જિલ્લા સામેલ થયા હતા.
આ ઉછાળો માત્ર અમદાવાદ કે અન્ય મુખ્ય શહેરી કેન્દ્રો પૂરતો મર્યાદિત નહોતો. દેશના ટોપ-૧૦ જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢનો સમાવેશ થયો હતો. જ્યારે મહેસાણા, વડોદરા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર ટોપ-૨૦માં સ્થાન પામ્યા હતા. ગુજરાતમાં રજિસ્ટ્રેશનમાં થયેલો વધારો માત્ર મોટાં શહેરી કેન્દ્રોમાં જ કેન્દ્રિત નથી રહ્યો, પરંતુ વિવિધ જિલ્લાઓમાં પણ નવા રજિસ્ટ્રેશનમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું આ આંકડા દર્શાવે છે.
સૂત્રોએ જણાવ્યું કે, દેશભરના ટોપ-૨૦માં ૧૦ જિલ્લા સ્થાન પામીને કોઈ એક જ રાજ્યે આટલી નિર્ણાયક રીતે નવા રોકાણકારોની નોંધણીમાં પ્રભુત્વ જમાવ્યું હોય તેવું કદાચ પ્રથમ વખત બન્યું છે. આ આંકડા ઇક્વિટી બજારમાં ગુજરાતની મજબૂત ભાગીદારી દર્શાવે છે. ઉપરાંત આઈપીઓની લહેરે નાના જિલ્લાઓમાંથી પણ પ્રથમ વખત મોટા પાયે રોકાણકારોને આકર્ષ્યા છે તેમ સાબિત કરે છે.
જિલ્લા સ્તરે દિલ્હી-એનસીઆર ૭૫,૮૦૦ નવા રજિસ્ટ્રેશન સાથે સૌથી મોટું યોગદાન આપનાર રહ્યું હતું. તે પછી મુંબઈ ૫૩,૩૦૦ અને અમદાવાદ ૩૫,૪૦૦ નવા રજિસ્ટ્રેશન સાથે આગળ રહ્યા હતા. સુરત ૩૦,૨૦૦ સાથે ચોથા અને ભાવનગર ૨૬,૮૦૦ સાથે પાંચમા સ્થાને રહ્યું હતું.
બેંગલુરુમાં ૧૯,૫૦૦ નવા રજિસ્ટ્રેશન થયા હતા, જ્યારે રાજકોટમાં ૧૮,૮૦૦ અને જયપુરમાં ૧૮,૭૦૦ નવા રોકાણકારો ઉમેરાયા હતા. ઓગસ્ટ મહિનાના કુલ રજિસ્ટ્રેશનમાં ટોપ-૫ જિલ્લાઓનો હિસ્સો લગભગ ૧૧.૫ ટકા રહ્યો હતો. અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૪માં પણ ગુજરાતના ચાર જિલ્લાઓઅમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરદેશના ટોપ-૧૦માં સ્થાન પામ્યા હતા.
NSE ના ડેટા મુજબ, ગુજરાતના નોંધાયેલા રોકાણકારોના પાયામાં પણ તીવ્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૦ના અંતે રાજ્યમાં ૧૪.૯૮ લાખ નોંધાયેલા રોકાણકારો હતા. આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૧૫માં વધીને ૨૦.૫૫ લાખ અને નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૩૭.૯૭ લાખ થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં ગુજરાતમાં નોંધાયેલા રોકાણકારોનો આધાર ૯૯.૩૯ લાખ સુધી પહોંચી ગયો હતો અને ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં તે ૧.૧૫ કરોડ પર પહોંચ્યો હતો.
રાજ્ય સ્તરે, ઓગસ્ટ ૨૦૨૬માં ઉત્તર પ્રદેશને પાછળ છોડીને ગુજરાત નવા રોકાણકારોની નોંધણીમાં સૌથી મોટું રાજ્ય બન્યું હતું. ગુજરાતે ૨.૩ લાખ નવા રોકાણકારો ઉમેર્યા, જે દેશભરમાં માસિક ધોરણે થયેલા કુલ ઉમેરાના ૧૪.૬ ટકા હિસ્સો ધરાવે છે.
ઉત્તર પ્રદેશ ૨.૦ લાખ રોકાણકારો (૧૨.૯ ટકા) સાથે બીજા ક્રમે રહ્યું હતું. મહારાષ્ટ્રે ૧.૬ લાખ (૧૦.૨ ટકા), રાજસ્થાને ૧.૧ લાખ (૭.૧ ટકા) અને તમિલનાડુએ ૦.૯ લાખ (૫.૭ ટકા) રોકાણકારો ઉમેર્યા હતા. ઓગસ્ટ મહિનાની કુલ નવા રજિસ્ટ્રેશનમાં આ ટોચના પાંચ રાજ્યોનો સંયુક્ત હિસ્સો ૫૦.૫ ટકા રહ્યો હતો.
આ મહિનામાં ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. નવા રજિસ્ટ્રેશનમાં માસિક ધોરણે ૯૪.૮ ટકા અને વાર્ષિક ધોરણે ૧૩૪.૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો. રાજસ્થાને ૩૬.૭ ટકા સાથે માસિક ધોરણે બીજો સૌથી ઊંચો વધારો નોંધાવ્યો હતો. ત્યારબાદ હરિયાણા ૨૩.૩ ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ક્રમશઃ ૧૧.૨ ટકા અને ૭.૨ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
