<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ગુજરાતમાં ૨૯,૮૨૨ મેગાવોટની સર્વોચ્ચ વીજ માંગ સફળતાપૂર્વક પાર : ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વીજ આયોજનની સમીક્ષા

અલ નીનોની અસર અને તહેવારો વચ્ચે વીજ વપરાશમાં ૩૬.૬ ટકાનો મોટો ઉછાળો : બેટરી સ્ટોરેજ, ન્યુક્લિયર પ્લાન્ટ અને કોલસાના વધારાના પુરવઠા સાથે લાંબા ગાળાની રણનીતિ જાહેર : નાગરિકોને વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા સરકારની અપીલ

(અશ્વિન વ્યાસ દ્વારા), ગાંધીનગર: ગુજરાતમાં વધી રહેલી વીજ માંગ અને ઊર્જા ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ અંગે ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ અધ્યક્ષતામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તેમજ તમામ વીજ કંપનીઓના અગ્રણી અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં વીજ માંગમાં થયેલા અભૂતપૂર્વ વધારાના કારણો, તેના તાત્કાલિક નિવારણ માટે લેવાયેલા પગલાં અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાથ ધરેલા આયોજનો અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વીજ માંગમાં વધારાના મુખ્ય કારણો:
ચાલુ વર્ષે નબળા ચોમાસા છતાં સતત ઊંચા રહેલા તાપમાનને કારણે કૂલિંગ લોડમાં મોટો વધારો થયો છે. આ ઉપરાંત, ઊભા પાકને સિંચાઈનું પાણી પૂરું પાડવા ખેડૂતોને પૂરતા કલાકો વીજળી અપાતા કૃષિ લોડ દૈનિક ૧૨,૦૦૦ મેગાવોટ સુધી પહોંચ્યો છે. નવરાત્રી અને આગામી દિવાળીના તહેવારોના કારણે ઔદ્યોગિક માંગ પણ વધી છે. બીજી તરફ, રાજ્ય અને પાડોશી રાજ્યોમાં ઓછા વરસાદને કારણે હાઇડ્રો પાવર અને પવન ઊર્જાનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે, સપ્ટેમ્બર અને ઑક્ટોબર માસ દરમિયાન વીજ માંગમાં ગત વર્ષની સરખામણીએ આશરે ૧૨ ટકા (અંદાજે ૪,૦૦૦ મેગાવોટ) નો વધારો નોંધાયો છે.

રાજ્યમાં ગત તા. ૧૬ ઑક્ટોબરના રોજ અત્યાર સુધીની સર્વોચ્ચ ૨૯,૮૨૨ મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી, જે ગત વર્ષની ૨૧,૮૨૨ મેગાવોટની સરખામણીએ ૩૬.૬ ટકા વધુ છે. તે દિવસે દૈનિક વીજ વપરાશ ૫૭૪ મિલિયન યુનિટ રહ્યો હતો. કુલ સપ્લાય થયેલી વીજળીમાંથી PGVCLમાં ૩૦%, DGVCLમાં ૨૨%, UGVCLમાં ૨૨%, MGVCLમાં ૧૦% અને અન્ય ડિસ્કોમમાં ૧૬% વપરાશ થયો છે.

તાત્કાલિક રાહત અને પુરવઠા માટે લેવાયેલા પગલાં:
સાંજે ૫ થી રાત્રે ૧૧ વાગ્યાના પીક અવર્સ દરમિયાન સોલાર ઉત્પાદન શૂન્ય થતાં અને પવન ઊર્જા અનિયમિત હોવાથી કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટ્સ દ્વારા પુરવઠો સુનિશ્ચિત કરાઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધીને નવેમ્બર સુધી રોજના ૧૦ થી ૧૧ અને ત્યારબાદ ૧૩ થી ૧૪ રેલવે રેક કોલસો મેળવવાની ખાતરી મેળવાઈ છે. આ ઉપરાંત, એનટીપીસીના ફરક્કા પ્લાન્ટમાંથી ૩૭૯ મેગાવોટ, આસામના ફાળામાંથી ૫૦૦ મેગાવોટ અને અન-એલોકેટેડ ફાળામાંથી વધુ ૫૦૦ મેગાવોટ મેળવવાની વ્યવસ્થા કરાઈ છે.

ઑક્ટોબર માટે ૨,૯૯૦ મેગાવોટ, નવેમ્બર માટે ૧,૭૪૦ મેગાવોટ અને ડિસેમ્બર માટે ૧,૩૩૫ મેગાવોટના ટૂંકા ગાળાના ટાઈ-અપ કરાયા છે. દિવસ દરમિયાન ૧૨,૦૦૦ મેગાવોટ સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરાયો છે. સાંજના પીક અવર્સ માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અંતર્ગત હાલ ૧૯૨ મેગાવોટ કાર્યરત છે, જે માર્ચ ૨૦૨૭ સુધીમાં ૫૦૦ મેગાવોટ સુધી પહોંચશે.

ભવિષ્યનું લાંબા ગાળાનું આયોજન:
રાજ્યના લાંબા ગાળાના વીજ પુરવઠા અને ગ્રીડ સ્થિરતા માટે સેન્ટ્રલ થર્મલ અને હાઇડ્રો સ્ટેશનોમાંથી હજારો મેગાવોટ વીજળી મેળવવાનું આયોજન છે. એનપીસીઆઈટી (NPCIL) સાથે ૪,૨૦૦ મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે એમઓયુ થયા છે, જેનો પ્રથમ યુનિટ ૨૦૩૨માં શરૂ થશે. ઉકાઈ ખાતે ૮૦૦ મેગાવોટનો થર્મલ પ્લાન્ટ સપ્ટેમ્બર ૨૦૨૯થી ચાલુ થશે તેમજ સિનોર, વણાકબોરી અને ગાંધીનગરમાં નવા પ્રોજેક્ટ્સની પ્રક્રિયા ચાલી રહી છે.

સરકાર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહીને વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા તથા સાંજના પીક અવર્સ (સાંજે ૫ થી ૧૧) દરમિયાન બિનજરૂરી વીજ વપરાશ ટાળીને ઊર્જા બચતમાં સહયોગ આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.

(6:44 PM IST)